AUS vs ENG Ashes 2025-26 Schedule: ટેસ્ટ ક્રિકેટમાં ફેન્સ આતુરતાપૂર્વક પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક ટેસ્ટ સીરીઝની રાહ જુએ છે. તે ટેસ્ટ સીરીઝ એશિઝ છે, જે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાય છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ એશિઝ 2025-26નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ મેચોની આ રોમાંચક સીરીઝ 21 નવેમ્બર 2025થી પર્થમાં શરૂ થશે અને 8 જાન્યુઆરી 2026ના રોજ સિડનીમાં સમાપ્ત થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સીરીઝની તમામ મેચોની તારીખો અને સ્થળની પુષ્ટિ કરી છે.


ક્યારે અને ક્યાં રમાશે એશિઝ 2025-26 - 
સીરીઝની શરૂઆત 21 થી 25 નવેમ્બર દરમિયાન પર્થ સ્ટેડિયમમાં રમાનાર પ્રથમ ટેસ્ટથી થશે. આ પછી બીજી ટેસ્ટ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ડે-નાઈટ ફોર્મેટમાં રમાશે. ત્રીજી મેચ એડિલેડ ઓવલ ખાતે 17 થી 21 ડિસેમ્બર દરમિયાન રમાશે, જ્યારે પરંપરાગત બૉક્સિંગ ડે ટેસ્ટ 26 થી 30 ડિસેમ્બર દરમિયાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે. છેલ્લી અને નિર્ણાયક ટેસ્ટ નવા વર્ષની ટેસ્ટ તરીકે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે 4 થી 8 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે.


એશીઝ સીરીઝ હેડ ટૂ હેડ 
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 73 એશિઝ સીરીઝ રમાઈ છે, જેમાંથી ઓસ્ટ્રેલિયા 34 વખત જીત્યું છે, જ્યારે ઈંગ્લેન્ડ 32 વખત જીત્યું છે. સાત સીરીઝ ડ્રૉમાં સમાપ્ત થઈ છે.


બંને ટીમોએ એશિઝમાં સતત આઠ વખત જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડે 1882-83 થી 1890 સુધી આ સિદ્ધિ હાંસલ કરી હતી, આ સમય દરમિયાન ઈંગ્લેન્ડે 16 ટેસ્ટ મેચ જીતી હતી અને માત્ર ચાર મેચ હારી હતી.


નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સાથે 2-2થી ડ્રો સીરીઝ બાદ 2023માં એશિઝ ટ્રોફી જાળવી રાખી છે. હવે જોવાનું એ રહે છે કે 2025-26માં કઈ ટીમ એશિઝ ટ્રોફી કબજે કરે છે.


એશિઝ 2025-26નું શિડ્યૂલ - 
1લી ટેસ્ટ: પર્થ સ્ટેડિયમ 21-25 નવેમ્બર 2025
બીજી ટેસ્ટ (ડે-નાઈટ): GABA 4-8 ડિસેમ્બર 2025
ત્રીજી ટેસ્ટ: એડિલેડ ઓવલ 17-21 ડિસેમ્બર 2025
ચોથી ટેસ્ટ: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ 26-30 ડિસેમ્બર 2025
પાંચમી ટેસ્ટ: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ 4-8 જાન્યુઆરી 2026