નવી દિલ્હી: IPL 2020ની 13 સિઝનમાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસન અને રાહુલ તિવેટિયાની અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબને 4 વિકેટે હરાવ્યું હતું.

224 રનના ટાર્ગેટ સામે રમતી રાજસ્થાનની ટીમે કિંગ્સ ઇલેવન સામે લગભગ હાર માની જ લીધી હશે કેમ કે એ વખતે સંજુ સેમસન 42 બૉલમાં આક્રમક 85 રન ફટકારીને આઉટ થઈ ગયા હતા અને રાહુલ તિવેટીયા 21 બૉલમાં 14 રન સાથે રમતા હતા.

બાદમાં રાહુલ તિવેટીયા આ દરમિયાન ઝંઝાવાતી ઇનિંગ રમ્યા, તેમણે બાકીના દસ બૉલમાં 39 રન ફટકાર્યા અને રાજસ્થાન રૉયલ્સે છેલ્લી પાંચ ઓવરમાં 86 રન ફટકારી દીધા.



રાજસ્થાનનો આ વિજય અવિશ્વસનીય ગણાશે કેમ કે અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ માટે મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી.




તિવેટિયાની આ શાનદાર બેટિંગ જોઈને અનેક સેલિબ્રીટી તેના પર ફીદા થઈ ગયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ પણ તિવેટિયાના વખાણ કરતા ટ્વિટ કર્યા હતા. તિવેટિયા માટે તેણે ટ્વિટમાં લખ્યું કે, “તિવેટિયાએ પાર્કની બહાર શોટ ફટકાર્ય અને એ પણ કેવી રીતે...એક જ ઓવરમાં 5 છગ્ગા.” બીજા ટ્વિટમાં નુસરતે લખ્યું કે, “તિવેટિયાને આ માટે ઉભા થઈને માન આપવું જોઈએ.”


આ ઉપરાંત બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે પણ ટ્વીટ કરીને તિવેટિયાના વખાણ કર્યા હતા. તેમણે ટ્વિટમાં લખ્યું કે, “હારીને જીતનારને જ તિવેટાય કહે છે.”