Border Gavaskar Trophy 2024-25 Highlights : ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 3-1થી જીત મેળવી હતી. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શ્રેણીમાં સૌથી વધુ પ્રભાવિત કર્યા, જેના માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો. જ્યારે બુમરાહ શ્રેણીમાં 'વન મેન આર્મી' તરીકે ઉભરી આવ્યો હતો, ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. તો ચાલો જાણીએ કે આખી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો હાલ કેવો રહ્યો હતો.
શ્રેણીની તમામ પાંચ મેચોની સ્થિતિ
શ્રેણીની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ત્યારબાદ શ્રેણીની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ હતી, જે પિંક બોલની ટેસ્ટ હતી. પિંક બોલની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી.
આ પછી, બંને ટીમો શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે ગાબા પહોંચી, જ્યાં વરસાદે આખી રમત બગાડી. વરસાદના કારણે ગાબા ટેસ્ટનું પરિણામ ડ્રો રહ્યું હતું.
શ્રેણીની ચોથી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મેલબોર્નમાં આમને-સામને આવી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટ 184 રને જીતીને સિરીઝમાં 2-1થી લીડ મેળવી હતી.
આ પછી સિડનીમાં શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ રમાઈ હતી. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની હતી. એક તરફ ટીમ ઈન્ડિયાએ જીતીને સિરીઝ ડ્રો કરવાની હતી તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ જીતીને સિરીઝ કબજે કરવાની હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટે જીતીને સિરીઝ 3-1થી કબજે કરી લીધી હતી.
બુમરાહ 'વન મેન આર્મી' બન્યો, કોહલી-રોહિત ફ્લોપ
જસપ્રીત બુમરાહે સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા સંપૂર્ણ ફ્લોપ દેખાયા હતા. રોહિતે 3 મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા, જેમાં તેનો હાઇ સ્કોર 10 રન હતો. આ સિવાય વિરાટ કોહલીએ 1 સદીની મદદથી 190 રન બનાવ્યા હતા. કોહલીએ 9 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. હેડે 5 મેચની 9 ઇનિંગ્સમાં 56.00ની એવરેજથી 448 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી હતી, જેમાં હાઈ સ્કોર 152 રન હતો.
WTC 2025 ની ફાઈનલમાં પહોંચી આ બે ટીમ, જાણો ક્યાં દિવસે રમાશે મહામુકાબલો