IND vs AUS 5th Sydney Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં કાંગારૂ ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે, યજમાન ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી કબજે કરી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. તો ચાલો જાણીએ કે સિડનીમાં ટીમ ઈન્ડિયાની હારના ત્રણ સૌથી મોટા કારણો શું હતા.


1- બેટિંગમાં ફ્લોપ શો


ટીમ ઈન્ડિયાએ માત્ર સિડની ટેસ્ટમાં જ નહીં પરંતુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચેય ટેસ્ટમાં પણ ખરાબ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા બંને ઈનિંગ્સમાં 200 રનનો આંકડો પાર કરી શકી ન હતી. પ્રથમ દાવમાં ભારતીય બેટ્સમેનોએ 185/10 રન બનાવ્યા હતા. ત્યારપછી બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 157/10 રનમાં સમેટાઈ ગઈ હતી. નબળી બેટિંગના કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 162 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જે તેણે માત્ર 4 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.


2- જસપ્રીત બુમરાહની ઈજા


સિડની ટેસ્ટમાં રોહિત શર્માને પડતો મૂકીને જસપ્રિત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બુમરાહ સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ દરમિયાન, બુમરાહ પીઠમાં ખેંચાણના કારણે મેદાનની બહાર ગયો હતો. તેણે પ્રથમ દાવમાં માત્ર 10 ઓવર ફેંકી હતી. આ પછી બુમરાહ બોલિંગ માટે મેદાનમાં પરત ફરી શક્યો ન હતો. રન ચેઝ કરવા માટે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન ટીમ ઇન્ડિયા બુમરાહને ઘણી મિસ કરી હતી.


3- ખોટી ટીમ પસંદગી


ટીમ ઈન્ડિયાએ સિડની ટેસ્ટ માટે ખોટી ટીમ પસંદ કરી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ માત્ર એક જ સ્પિનરને રમાડ્યો હતો ત્યાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનરોને તક આપવામાં આવી હતી. પીચ પ્રમાણે ટીમમાં ચાર ફાસ્ટ બોલરો માટે જગ્યા હતી, પરંતુ ટીમ ઈન્ડિયા માત્ર ત્રણ મુખ્ય ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. ભારતે સિડની ટેસ્ટમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અવે રવિન્દ્ર જાડેજાને રમવાની તક આપી હતી. જો મેચમાં ચાર ઝડપી બોલર હોત તો બુમરાહ પર વધુ ભાર ન હોત અને તે ઈજાગ્રસ્ત થવાથી બચી શક્યો હોત.


આ પણ વાંચો....


IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી