India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. મેચનો બીજો દિવસ (4 જાન્યુઆરી) ખૂબ જ રોમાંચક રહ્યો અને એકંદરે 15 વિકેટ પડી અને 300થી વધુ રન બનાવ્યા. એકંદરે બીજો દિવસ બોલરોના નામે રહ્યો અને બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા. તેમ છતાં ભારત આ સ્પર્ધામાં આગળ છે. સ્ટમ્પના સમયે, બીજી ઇનિંગમાં ભારતીય ટીમનો સ્કોર 141/6 છે. રવિન્દ્ર જાડેજા (અણનમ 8) અને વોશિંગ્ટન સુંદર (અણનમ 6) ક્રીઝ પર છે. ભારતની કુલ લીડ 145 રન છે.






 


આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 185 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પણ 181 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી.


ભારતની બીજી ઇનિંગમાં બોલેન્ડે 4 વિકેટ ઝડપી  
ભારતે બીજી ઇનિંગમાં સારી શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં સ્ટાર્કની પહેલી જ ઓવરમાં 16 રન લીધા હતા. પરંતુ ભારતીય ટીમને પહેલો ફટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો, જેને સ્કોટ બોલેન્ડે બોલ્ડ કર્યો હતો. રાહુલ અને યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટ માટે 45 બોલમાં 42 રનની ભાગીદારી થઈ હતી. રાહુલના આઉટ થયા બાદ યશસ્વી (22) પણ બોલેન્ડનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી (6)એ પોતાનું ખરાબ ફોર્મ ચાલુ રાખ્યું અને તેણે ફરીથી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને રમવા ગયો સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો. શુભમન ગિલ પણ 13 રન બનાવીને બેઉ વેબસ્ટરના બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.


78 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ રિષભ પંતે ભારતીય ઇનિંગની કમાન સંભાળી હતી. પંતે માત્ર 29 બોલમાં ચોગ્ગા-છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પેટ કમિન્સે પંતની તોફાની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ઓફ-સ્ટમ્પની બહારનો બોલ પંતના બેટની કિનારી સાથે અથડાયો અને વિકેટકીપર કેરીએ ઝડપી લીધો. પંતે 33 બોલમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી (4) એ બીજા દાવમાં પણ નિરાશ કર્યા અને તેણે ખૂબ જ બિનજરૂરી શોટ રમ્યો અને બોલેન્ડના બોલ પર કમિન્સના હાથે કેચ આઉટ થયો.


આ પણ વાંચો....


IND vs AUS: ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર,જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત,જાણો કોણે સંભાળી કેપ્ટન્સી