IND vs AUS, 4th Test, Naredra Modi Stadium: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીરિઝની અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કો ઉછાળતા જોવા મળી શકે છે.
ટ્વિટર પરથી મળી માહિતી
મુફદલ વોહરા નામના યુઝરે ટ્વિટર પર પોતાની એક પોસ્ટમાં દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક મેચ જોવા માટે માત્ર સ્ટેડિયમ જ નહીં પહોંચશે, પરંતુ તેઓ મેચમાં સિક્કો ઉછાળી શકે છે.
મેચમાં બની શકે છે આ રેકોર્ડ
આ સાથે જ આ મેચમાં એક મોટો રેકોર્ડ બની શકે છે. રિપોર્ટ અનુસાર પ્રથમ દિવસે એક લાખથી વધુ લોકો ટેસ્ટ મેચ જોવા આવી શકે છે. આ પહેલા, કોઈપણ ટેસ્ટમાં એક જ દિવસમાં સ્ટેડિયમમાં પહોંચનારા દર્શકોની મહત્તમ સંખ્યા 91,112 છે. આ રીતે અમદાવાદ ટેસ્ટ દર્શકોની દ્રષ્ટિએ નવો રેકોર્ડ બનાવી શકે છે.
ઓસ્ટ્રેલિયાના પીએમનું અમદાવાદમાં આગમન, ભૂપેન્દ્ર પટેલે કર્યું મેદાનનું નિરીક્ષણ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં. તેમની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હતાં. ભારતીય પરંપરા મુજબ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટેરા સ્થિત મોદી સ્ટેડિયમમાં નિરિક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેડિયમમાં બંને દેશોના વડાની હાજરીને લઈ તૈયારીઓ માટેની સમિક્ષા કરી હતી.
બંને PM મેચમાં કોમેન્ટરી પણ કરશે
ગુરુવારે નવ માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન મોદી હાજર રહેશે. આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8.30 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. બંને વડાપ્રધાન મેચમાં હાજર રહેશે. બે કલાક સુધી બંને વડાપ્રધાન મેચ નિહાળશે અને મેચ દરમિયાન તેઓ કોમેન્ટરી કરે એવી પણ શક્યતા છે.
2-1થી આગળ છે ટીમ ઈન્ડિયા
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે.