નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં કેપ્ટન અને ઉપકેપ્ટન, એટલે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બન્ને દુનિયાના મહાન બેટ્સમેન છે, પણ અવારનવાર બન્ને ખેલાડીઓ વચ્ચે સર્વશ્રેષ્ઠ બેટ્સમેનની ચર્ચા શરૂ થઇ જાય છે. આવી જ ચર્ચા ફરી એકવાર શરૂ થઇ અને આ વખતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર બ્રેડ હોગે મસ્ત જવાબ આપ્યો છે. આમ તો બન્ને બેટ્સમેનો દુનિયાના બેસ્ટ બેટ્સમેનો છે.


જ્યારે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેડ હોગને આ વિશે પુછવામાં આવ્યુ ત્યારે તેમને પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું - વિરાટ અને રોહિતની વચ્ચે સરખામણી કરવી મુશ્કેલ છે. કેમકે બન્ને ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો છે. જોકે, પોતાની નિરંતરતા માટે વિરાટ આગળ છે. વિરાટ જ્યારે પણ રનોનો પીછો કરતો હોય છે ત્યારે વિરોટી ટીમની સામે તે પહાડની જેમ ઉભો થઇ જાય છે.

બ્રેડ હોગે આગળ કહ્યું કે એ કહેવુ ખોટુ નથી કે ટીમમાં બન્ને ખેલાડીઓની ભૂમિકા અલગ છે. ફિલ્ડ પ્રતિબંધોના સમયે નવા બૉલ સાથે રોહિતની ભૂમિકા આક્રમક રહે છે, જ્યારે કોહલીની ભૂમિકા ઇનિંગને આગળ વધારવાની છે, અને મેચને અંત સુધી લઇ જવાની હોય છે. બન્ને બેટ્સમેનો એકબીજાના પૂરક છે.



આ પ્રશ્ન પર અગાઉ શ્રીલંકાના મહાન ખેલાડી કુમાર સંગાકારા સ્ટાર સ્પોર્ટ્સ પર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યો છે. તેના મતે વિરાટ અને રોહિત બન્ને ખેલાડીઓ સન્માનના હકદાર છે.

રોહિત અને વિરાટ કોહલી બન્ને ભારતીયી ટીમના આધારભૂત બેટ્સમેન છે. આઇસીસી રેન્કિંગમાં વિરાટ પ્રથમ નંબરે છે તો રોહિત શર્મા બીજા નંબર પર છે. બન્ને ખેલાડીઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાનો જલવો બતાવી ચૂક્યા છે.