કોરોના વાઇરસની બીજી લહેરના કારણે ભારત દેશ હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કારણે હાહાકાર મચેલો છે. આવા મુસીબતના સમયમાં ઘણા દેશો અને સેલિબ્રિટીઓ ભારતની મદદે પણ આગળ આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર બ્રેટ લીએ ભારતને એક બિટકોઈન (અંદાજે 40 લાખ રુપિયા) નું દાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયના પેટ કમિન્સ પણ ભારતને દાન આપી ચૂક્યો છે.   બ્રેટ લીએ ઓક્સિજન સપ્લાયની ખરીદી માટે ભારતને 40 લાખનું દાન આપ્યું છે.


બ્રેટ લીએ ટ્વિટર પર ભારતમાં કોરોનાના કેસો વધી રહેલા કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી. બ્રેટ લીએ કહ્યું કે હવે એકજૂટ થવાનો સમય આવ્યો છે અને આપણે ભારતને મદદ કરવા આપણાથી થાય તેટલું યોગદાન આપવાનો સમય આવ્યો છે. બિટકોઈન એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે. હાલમાં એક બિટકોઈનનું ભારતીય મુલ્ય 41 લાખ રૂપિયાની આસપાસ છે. બ્રેટ લીએ આ મદદ ક્રિપ્ટો રિલિફ હેઠળ કરી છે. તેમને પેટ કમિન્સની મદદ માટે પણ વખાણ કર્યા છે.



બ્રેટ લીએ એમ પણ કહ્યું કે, ભારત હંમેશા મારા માટે બીજું ઘર છે. મને અહીંના લોકો તરફથી પ્રોફેશન કેરિયર દરમિયાન ખૂબ પ્રેમ મળ્યો છે. નિવૃત્ત થયા પછી પણ અહીંના લોકો તરફથી મને પ્રેમ મળ્યો છે તેથી મારા દિલમાં તેઓ માટે એક ખાસ જગ્યા છે. 


બ્રેટ લી આગળ લખ્યું કે હવે સમય એકજૂટ થવા અને એ નક્કી કરવાનો છે કે આપણે જરૂરિયાતના લોકો સુધી મદદ પહોંચાડીએ, હું તમામ ફ્રન્ટલાઈન વર્કર્સનો આભાર માનું છું. જે આ મુશ્કેલ સમયમાં સતત કામ કરી રહ્યા છે. તમામ લોકોને મારૂ નિવેદન છે કે તમે તમારૂ ધ્યાન રાખો, ઘર પર જ રહો, હાથ ધોતા રહો અને જરૂરી થવા પર જ બહાર નિકળો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ અપનાવો.