નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયાના મહાન બેટ્સમેનોમાંના એક બ્રાયન લારાએ પોતાના જ રેકોર્ડને તોડવાની આગાહી કરી દીધી છે. બ્રાયન લારાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ટેસ્ટ કેરિયરમાં મે બનાવેલા સર્વોચ્ચ વ્યક્તિગત 400 રનોના સ્કૉરનો રેકોર્ડ હવે ગમે ત્યારે તુટી શકે છે.

લારાનુ માનવુ છે કે, ટેસ્ટમાં મારા 400 રનના સ્કૉરના રેકોર્ડને તોડવા માટે કેટલાક બેટ્સમેનો સક્ષમ છે. પણ હાલની ક્રિકેટમાં ત્રણ બેટ્સમેનો એવા છે જે ગમે ત્યારે મારો સ્કૉર રેકોર્ડ તોડી શકે છે. લારાએ કહ્યું કે હાલ રોહિત શર્મા, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નર આ માટે સૌથી આગળ છે.



લારાએ કહ્યું કે, મને લાગે છે કે ડેવિડ વોર્નર 400 રનના વ્યક્તિગત સ્કૉરને તોડી શકે છે, તે સારો બેટ્સમેન છે. તે હમણાં જ આ માટે ચૂકી ગયો હતો. લારાએ આ ઉપરાંત ભારતીય કેપ્ટન વિરાટની પ્રસંશા કરીને કહ્યું કે કોહલી પણ 400 રન ગમે ત્યારે બનાવી શકે છે.



વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટને કહ્યું કે આ માટે રોહિત શર્મા સૌથી આગળ છે, કેમકે રોહિત એક આક્રમક બેટ્સમેન છે, જ્યારે તેનો દિવસ હોય ત્યારે તે ગમે તે કરી શકે છે. તેની પાસે ટેસ્ટ ક્રિકેટમાં 400 રનનો વ્યક્તિગત સ્કૉર કરવાની પુરેપુરી ક્ષમતા છે.



નોંધનીય છે કે, પૂર્વ વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન લારાએ ટેસ્ટમાં પોતાનો 400 રનનો અંગત સ્કૉર રેકોર્ડ ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો, લારાએ વર્ષ 2004માં ઇંગ્લેન્ડ સામે 400 રન ફટકાર્યા હતા, ત્યારબાદથી આજ સુધી કોઇ તેની નજીક પણ પહોંચી શક્યુ નથી.