Brian Lara Statement on Kohli: IPL 2024માં શાનદાર ફોર્મમાં હોવા છતાં ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી ધીમી સ્ટ્રાઇક-રેટ પર રન બનાવવા બદલ ટીકાઓનો સામનો કરી રહ્યો છે. દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન બ્રાયન લારાએ આગામી T20 વર્લ્ડકપમાં ટીમમાં તેના સમાવેશની હિમાયત કરતા કહ્યું કે તેની જરૂરિયાત સ્ટ્રાઈક-રેટથી આગળ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન કોહલીએ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે 67 બોલમાં સદી ફટકારી હતી, જે 2009માં મનીષ પાંડેની સાથે આ ટુર્નામેન્ટની સૌથી ધીમી સદી છે.


બ્રાયન લારાએ શું કહ્યું - 
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાએ એક ઈવેન્ટમાં કહ્યું કે, 'સ્ટ્રાઈક-રેટ બેટિંગ ઓર્ડર પર નિર્ભર કરે છે અને ઓપનિંગ બેટ્સમેન માટે 130-140નો સ્ટ્રાઈક રેટ ખરાબ નથી, પરંતુ જો તમે મિડલ ઓર્ડરમાં આવી રહ્યા હોવ તો. 150 અથવા 160ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવાની જરૂર છે. જેમ તમે આ આઈપીએલમાં જોયું હશે. બેટ્સમેન ઈનિંગની છેલ્લી ઓવરોમાં 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યા છે.


'160 ની સ્ટ્રાઇક રેટથી....' 
તેણે આગળ કહ્યું, 'કોહલી જેવો ઓપનિંગ બેટ્સમેન સામાન્ય રીતે 130ના સ્ટ્રાઈક રેટથી ઈનિંગની શરૂઆત કરે છે અને પછી તેની પાસે 160ના સ્ટ્રાઈક રેટ સાથે ઈનિંગ પૂરી કરવાની તક હોય છે.' લારાએ કહ્યું કે કોહલી અને રોહિત સાથે ઈનિંગ્સની શરૂઆત ટી20 વર્લ્ડકપમાં સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તેણે આ સ્થાન માટે અનુભવી ખેલાડીની સાથે યુવા ખેલાડીને અજમાવવાની હિમાયત કરી હતી.


રોહિતની સાથે ઓપનિંગ 
તેણે કહ્યું, 'મને લાગે છે કે જો રોહિત અને વિરાટ ઓપનિંગ બેટ્સમેન તરીકે વેસ્ટ ઈન્ડિઝ જાય તો તે ભારત માટે ઘણું સારું રહેશે. જોકે, મારું માનવું છે કે ઈનિંગની શરૂઆતમાં તમારી પાસે એક યુવા ખેલાડી હોવો જોઈએ અને આ અનુભવી ખેલાડીઓમાંથી કોઈ એક પાસે મિડલ ઓર્ડરમાં ઈનિંગ્સને આકાર આપવાની જવાબદારી હોવી જોઈએ. ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું, 'જો આ અનુભવી ખેલાડીઓ વહેલા આઉટ થઈ જાય તો તેની ટીમ પર નકારાત્મક અસર પડે છે. તેથી, રોહિત અને વિરાટ વચ્ચે, હું ટોચના ક્રમમાં એકનો ઉપયોગ કરીશ અને બીજા ત્રીજા નંબર પર.


કોહલી આઇપીએલમાં વર્તાવી રહ્યો છે કહેર 
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ IPL 2024ની 5 મેચમાં 146થી ઉપરની સ્ટ્રાઈક રેટથી 316 રન બનાવ્યા છે. તે સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે. તેના બેટમાંથી અત્યાર સુધીમાં 1 સદી અને 2 અડધી સદી જોવા મળી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 113 રન છે. સિઝનમાં અત્યાર સુધી તે 29 ફોર અને 12 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આગામી મેચ 11 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાવાની છે.