CAN vs IRE: કેનેડાએ આયરલેન્ડને 12 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024માં તેની પ્રથમ જીત નોંધાવી છે. કેનેડાની ટીમને શાનદાર બોલિંગના આધારે આ જીત મળી હતી અને ટીમ માટે જેરેમી ગોર્ડન અને ડિલોન હેલિગરે સૌથી વધુ વિકેટ લીધી હતી. બંનેએ બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા કેનેડાએ નિર્ધારિત 20 ઓવરમાં 137 રન બનાવ્યા હતા. કેનેડાએ નિકોલસ કિર્ટનના 49 રન અને શ્રેયસ મોવાના 37 રનની ઇનિંગને કારણે સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. બીજી તરફ આયરલેન્ડના બેટ્સમેનો નિયમિતપણે વિકેટ ગુમાવતા રહ્યા અને મોટી ભાગીદારી ન કરવાના કારણે ટીમને હાર મળી હતી. જ્યોર્જ ડોકરેલ અને માર્ક અડાર વચ્ચે 62 રનની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ તેઓ ટીમને જીત સુધી લઈ જઈ શક્યા ન હતા.






આયરલેન્ડને 138 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરી અને પ્રથમ 5 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 25 રન બનાવ્યા. પરંતુ છઠ્ઠી ઓવરમાં કેપ્ટન પોલ સ્ટર્લિંગ 17 બોલમાં 9 રનની ખરાબ ઇનિંગ રમીને આઉટ થયો હતો. સ્ટર્લિંગ બાદ એન્ડ્ર્યુ બાલબર્ની ખોટો શોટ રમવાના કારણે 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આયરલેન્ડે 50 રનની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. લોર્કન ટકર (10) અને હેરી ટેક્ટર (7) પણ ખાસ કમાલ કરી શક્યા નહોતા. આયરલેન્ડે 13મી ઓવરમાં ગેરેથ ડેલાનીના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. ટીમે 15 ઓવરમાં 74 રન બનાવ્યા હતા અને હજુ પણ જીતવા માટે 30 બોલમાં 64 રનની જરૂર હતી. જ્યોર્જ ડોકરેલ અને માર્ક અડાર વચ્ચેની 62 રનની ભાગીદારી આયરિશ ટીમને જીતની નજીક લઈ જઈ રહી હતી. છેલ્લી 2 ઓવરમાં ટીમને જીતવા માટે 28 રનની જરૂર હતી. 19મી ઓવરમાં 11 રન આવ્યા જેના કારણે આયરલેન્ડનો સ્કોર છેલ્લા 6 બોલમાં 17 રન હતો. જેરેમી ગોર્ડને છેલ્લી ઓવરમાં માત્ર 4 રન આપ્યા, જેના કારણે કેનેડાએ 12 રને મેચ જીતી લીધી હતી.


કેનેડાએ T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત નોંધાવ્યા બાદ 2 મહત્વના પોઈન્ટ મેળવ્યા હતા.  આ જીતથી કેનેડા ગ્રુપ A સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. જો કે ભારતના પણ 2 પોઈન્ટ છે, પરંતુ કેનેડાનો નેટ રન રેટ તેના કરતા નબળો છે. હાલમાં યજમાન યુએસએ 2 મેચમાં 2 જીત સાથે ટોચ પર છે, જેના હાલમાં 4 પોઈન્ટ છે. પાકિસ્તાન અને આયરલેન્ડ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.