Glenn Phillips catch Shubman Gill: દુબઈના મેદાન પર રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ 31 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં ગ્લેન ફિલિપ્સે પોતાના કવર પર એવો શાનદાર કેચ લીધો હતો કે તેને જોઈને દરેક દંગ રહી ગયા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટુર્નામેન્ટ ગ્લેન ફિલિપ્સની શાનદાર ફિલ્ડિંગ માટે પણ યાદ કરવામાં આવશે. ગ્રૂપ સ્ટેજની મેચોમાં જ્યાં તેણે એક પછી એક શાનદાર કેચ પકડ્યા હતા, ત્યાં ભારત સામેની ફાઈનલ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. ફિલિપ્સે ફાઈનલ મેચમાં કવર પર ફિલ્ડિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનો એક હાથે કેચ લઈને બધાને ચોંકાવી દીધા હતા, જેમાં આ કેચ પકડ્યા બાદ તે પોતે પણ આશ્ચર્યચકિત જોવા મળ્યો હતો. ગિલ અંતિમ મેચમાં 50 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો.

ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેનો પીછો કરતા તેણે 18.3 ઓવરમાં 105 રન બનાવી લીધા હતા. આ પછી 19મી ઓવરના ચોથા બોલ પર મિશેલ સેન્ટનરના ફુલ બોલ પર શુભમન ગિલે કવર પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, જેમાં એક સમયે બધાને લાગતું હતું કે તે ચોગ્ગો લાગશે, પરંતુ તે જ સમયે ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા ગ્લેન ફિલિપ્સે હવામાં કૂદીને એક હાથથી કેચ પકડ્યો. આ અદ્ભુત કેચ જોયા બાદ ગિલ સહિત અન્ય ખેલાડીઓ અને સ્ટેડિયમમાં હાજર દર્શકો થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. ફિલિપ્સને આ કેચ લેવા માટે માત્ર 0.78 સેકન્ડનો સમય મળ્યો હતો.

શુભમન ગિલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી, જેમાં તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારી હતી. જો કે આ પછી તે આગામી 4 મેચમાં 50 રનનો આંકડો પાર કરવામાં પણ સફળ થઈ શક્યો નહીં. આખી ટુર્નામેન્ટમાં 5 ઇનિંગ્સમાં બેટિંગ કરતા, ગીલે 47ની એવરેજથી કુલ 188 રન બનાવ્યા જેમાં તે 17 ફોર અને ત્રણ સિક્સર ફટકારવામાં સફળ રહ્યો.