India drops 4 catches final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઇન્ડિયાની સફર બેટિંગ અને બોલિંગમાં શાનદાર રહી, અને સતત જીત સાથે ફાઇનલમાં પહોંચી. પરંતુ આ સફળતા વચ્ચે, ટીમની ફિલ્ડિંગ એક નબળી કડી સાબિત થઈ. ફાઇનલ મેચમાં પણ આ ખામી સુધરી શકી નહીં અને ભારતના શ્રેષ્ઠ ફિલ્ડરોએ પણ મહત્વના કેચ છોડી દીધા.


આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન, ભારતીય બોલરોએ વિરોધી ટીમોને મોટો સ્કોર કરતા રોક્યા, જ્યારે બેટ્સમેનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીત અપાવી. આમ છતાં, ફિલ્ડિંગમાં ખરાબ પ્રદર્શન ચિંતાજનક રહ્યું. ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટમાં કુલ 11 કેચ છોડીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. ફાઇનલમાં પણ આ સિલસિલો યથાવત રહ્યો અને ટીમે ફરી કેચ છોડી નિરાશ કર્યા.


રવિવાર, 9 માર્ચના રોજ ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ મેચમાં ફિલ્ડિંગ સુધારવાની અપેક્ષા હતી. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ટીમ આ ક્ષેત્રમાં પાછળ રહી. ફિલ્ડિંગ એકંદરે ઠીક લાગતી હતી, પરંતુ કેચ પકડવામાં ખેલાડીઓ જાણે હાથમાં માખણ લગાવીને આવ્યા હોય તેવું લાગ્યું, જેના કારણે સરળ કેચ પણ છૂટી રહ્યા હતા. ફાઇનલમાં તો સ્થિતિ વધુ ખરાબ થઈ અને ભારતીય ખેલાડીઓએ ટૂર્નામેન્ટનું સૌથી કંગાળ ફિલ્ડિંગનું પ્રદર્શન કરીને 4 કેચ છોડ્યા.


ફાઇનલમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ચાર અલગ-અલગ ખેલાડીઓએ કેચ છોડ્યા. આ કેચ ડ્રોપનો સિલસિલો મોહમ્મદ શમીએ શરૂ કર્યો, જ્યારે તેણે ઇનિંગની સાતમી ઓવરમાં પોતાના જ બોલ પર રચિન રવિન્દ્રનો આસાન કેચ છોડ્યો. તે પછીની ઓવરમાં, ફરીથી રચિનને જીવનદાન મળ્યું, આ વખતે ભૂલ શ્રેષ્ઠ ફિલ્ડર ગણાતા શ્રેયસ અય્યરથી થઈ. વરુણ ચક્રવર્તીના બોલ પર અય્યરે રચિનનો કેચ ડ્રોપ કર્યો. આ જીવનદાનનો ફાયદો ઉઠાવી રચિને મોટા શોટ્સ ફટકાર્યા, જોકે બાદમાં કુલદીપે તેની ઇનિંગનો અંત આણ્યો.


આ પછી, 35મી અને 36મી ઓવરમાં પણ ટીમ ઇન્ડિયાએ ઉપરાછાપરી કેચ છોડ્યા. અક્ષર પટેલની પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્માએ ડેરીલ મિશેલનો મુશ્કેલ કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક હાથે બોલ પકડવામાં તે સફળ ના રહ્યો. મિશેલ ત્યારે 38 રન પર હતો, અને બાદમાં તેણે 63 રન બનાવ્યા.  ત્યારબાદ રવિન્દ્ર જાડેજાના બોલ પર, શુભમન ગિલે બાઉન્ડ્રી નજીક ગ્લેન ફિલિપ્સને કેચ આઉટ કરવાની તક ગુમાવી. જોકે, ફિલિપ્સ માત્ર બે ઓવર પછી આઉટ થઈ ગયો હતો.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ કેચ છોડનારી ટીમ બની ભારત


આ ખરાબ ફિલ્ડિંગના કારણે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ કેચ છોડનારી ટીમ બની. ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં કુલ 11 કેચ છોડ્યા, એટલે કે દરેક મેચમાં વિરોધી બેટ્સમેનોને સરેરાશ બે થી વધુ વખત જીવનદાન આપ્યું. ફાઇનલમાં પણ ટીમે માત્ર 4 કેચ જ નથી છોડ્યા, પરંતુ રન આઉટ કરવાની એક સોનેરી તક પણ ગુમાવી હતી. કુલદીપ યાદવ રવિન્દ્ર જાડેજાના થ્રો પર સ્ટમ્પ પાસે પહોંચીને બોલને પકડવાના બદલે દૂરથી જોતો રહ્યો, જેના લીધે કિવી ટીમનો બેટ્સમેન આઉટ થતા બચી ગયો. આ જીવનદાનનો લાભ લઇ ન્યુઝીલેન્ડે 251 રનનો સ્કોર બનાવ્યો.


આ પણ વાંચો...


વિરાટ કોહલી ફાઈનલમાં રમશે કે નહીં? દુબઈથી ટીમ ઈન્ડિયા માટે આવ્યા માઠા સમાચાર!