India vs Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન અંગે ઘણી બબાલ ચાલી રહી છે. પરંતુ હવે આ મુદ્દાનો ઉકેલ આવી ગયો છે. એક રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડેલથી કરાવશે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની મેચો દુબઈમાં રમી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ આઈસીસીને સોંપ્યો હતો. પરંતુ હવે તેમાં ફેરફાર થશે.


ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ આઈસીસીએ બીસીસીઆઈ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ચર્ચા કરી હતી. પરંતુ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. બીસીસીઆઈએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં રાખવામાં આવે. તેથી આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડેલ હેઠળ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં યોજાઈ શકે છે.


ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો કરાચી અને દુબઈમાં વધુ રમાઈ શકે છે. તેમાં કેટલીક મેચો લાહોર અને રાવલપિંડીમાં પણ યોજાઈ શકે છે. પરંતુ ભારતીય ટીમની બધી મેચો દુબઈમાં રમાઈ શકે છે. આ પહેલાં ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પણ પાકિસ્તાન ગઈ નહોતી. ભારતીય ટીમે પોતાની બધી મેચો શ્રીલંકામાં રમી હતી.


નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી20 વર્લ્ડ કપ 2024 પછી આઈસીસીને ડ્રાફ્ટ સોંપ્યો હતો. તેમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્લાન હતો. પીસીબીએ ભારત અને પાકિસ્તાનની મેચ લાહોરમાં રાખી હતી. ટીમ ઈન્ડિયાની બધી મેચો લાહોરમાં રાખવામાં આવી હતી. પરંતુ હવે પીસીબીના પ્લાન પર પાણી ફરી વળશે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ઘણાં વર્ષોથી દ્વિપક્ષીય શ્રેણી પણ રમાઈ નથી. આ બંને ટીમો માત્ર આઈસીસીના ટૂર્નામેન્ટમાં જ ભેગી થાય છે.


પાકિસ્તાનની ટીમ આગામી વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે. કરાચી, લાહોર અને રાવલપિંડીમાં સ્ટેડિયમની મરામત માટે પીસીબીએ 17 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ આઈસીસીને પાકિસ્તાનમાં બધી મેચો કરાવવાનું શેડ્યૂલ પણ મોકલ્યું છે, જેમાં ભારતની મેચો લાહોરમાં કરાવવાનો પ્રસ્તાવ છે.


પાકિસ્તાની વેબસાઈટ ક્રિકેટ પાકિસ્તાનના સમાચાર મુજબ હાઇબ્રિડ મોડેલ હેઠળ ભારતીય ટીમના મુકાબલા દુબઈમાં રમાશે. જો ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાય છે, તો સેમિફાઇનલ અને ફાઇનલ મેચ પણ પાકિસ્તાનની બહાર રમાઈ શકે છે.