Matt Henry injury video: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચ શરૂ થતાં પહેલાં એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યારે ન્યૂઝીલેન્ડના મુખ્ય બોલર મેટ હેનરીને ઇજાના કારણે ફાઇનલ મેચની પ્લેઇંગ 11માંથી બહાર થવું પડ્યું. મેદાન છોડતી વખતે મેટ હેનરીની આંખોમાં આંસુ હતા, જે દર્શાવે છે કે તે દેશ માટે ફાઇનલમાં રમવા અને યોગદાન આપવા માટે કેટલો ઉત્સુક હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ટોસ માટે જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર મેદાન પર આવ્યા, ત્યારે મેટ હેનરી પણ ટીમ સાથે હતો. જોકે, તે પ્લેઇંગ 11નો ભાગ નહોતો અને જ્યારે તે મેદાનની બહાર જઈ રહ્યો હતો ત્યારે તે ભાવુક થઈ ગયો હતો. સેમિફાઇનલમાં થયેલી ઈજાના કારણે તે ફાઇનલ મેચ માટે ફિટ થઈ શક્યો નહોતો.
મેટ હેનરી ન્યૂઝીલેન્ડ ટીમ માટે ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતો, પરંતુ સેમિફાઇનલ મેચ દરમિયાન ખભામાં થયેલી ઈજાએ તેને ફાઇનલ મેચમાંથી બહાર કરી દીધો. એક ખેલાડી માટે દેશ માટે રમવું અને મહત્વપૂર્ણ મેચોમાં યોગદાન આપવું સૌથી મોટું સપનું હોય છે, અને મેટ હેનરી પણ આ સપના સાથે જ આ ટુર્નામેન્ટમાં આવ્યો હતો. પરંતુ ઇજાના કારણે તેનું સપનું અધૂરું રહી ગયું.
મેટ હેનરીની જગ્યાએ નાથન સ્મિથને ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ માટે ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટ-કીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમિસન, વિલ ઓ'રર્ક, નાથન સ્મિથ.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, જ્યારે ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતે સેમિફાઇનલમાં જે ટીમ રમાડી હતી, તે જ પ્લેઇંગ 11 સાથે ફાઇનલમાં પણ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
આ પણ વાંચો....
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?