India vs New Zealand final 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે દુબઈમાં યોજાવાની છે, અને આ મહામુકાબલા પહેલા ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદનથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા અને ચિંતા બંનેનો સંચાર થયો છે.
દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ ક્રિકેટ નિષ્ણાતો મેચ વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે રવિ શાસ્ત્રીનું આ નિવેદન ખાસ ધ્યાન ખેંચે છે. શાસ્ત્રીએ જણાવ્યું છે કે ન્યૂઝીલેન્ડ ટીમમાં એવા કયા ખેલાડીઓ છે જે ફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે સૌથી મોટો પડકાર ઊભો કરી શકે છે.
રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડને ફાઈનલમાં ભારત માટે એક મજબૂત પ્રતિસ્પર્ધી ગણાવ્યું હતું. 'ધ ICC રિવ્યૂ' સાથે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું કે જો કોઈ ટીમ ભારતને હરાવવાની ક્ષમતા ધરાવે છે, તો તે ન્યૂઝીલેન્ડ જ છે. તેમણે માન્યું કે ભારત મેચ જીતવા માટે પ્રબળ દાવેદાર છે, પરંતુ ન્યૂઝીલેન્ડને ઓછું આંકવું ભૂલભરેલું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જ્યારે આ બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટથી પરાજય આપ્યો હતો.
શાસ્ત્રીએ ચાર એવા ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો જેમનાથી ભારતીય ટીમે ફાઈનલમાં સાવધાન રહેવાની જરૂર છે. તેમણે રચિન રવિન્દ્રને 'ખૂબ જ પ્રતિભાશાળી' ખેલાડી ગણાવ્યો અને કેન વિલિયમસનના 'સતત પ્રદર્શન અને શાંત સ્વભાવ'ની પ્રશંસા કરી. આ ઉપરાંત, કેપ્ટન મિશેલ સેન્ટનરને એક ચતુર કપ્તાન અને ગ્લેન ફિલિપ્સને ટીમના 'એક્સ ફેક્ટર' તરીકે વર્ણવ્યા હતા.
શાસ્ત્રીએ વિરાટ કોહલીને મેચ વિનર ગણાવતા કહ્યું હતું કે, જો વિરાટ કોહલી અને કેન વિલિયમસન જેવા ખેલાડીઓને શરૂઆતમાં ટકી રહેવાની તક મળે, તો તેઓ મેચનું પરિણામ બદલી શકે છે. તેમણે રચીન રવિન્દ્રની પણ પ્રશંસા કરી, જેણે માત્ર 25 વર્ષની ઉંમરમાં આઈસીસી વનડે ફોર્મેટ ટૂર્નામેન્ટમાં પાંચ સદી ફટકારી છે, અને આવું કરનાર સૌથી યુવા ખેલાડી છે. શાસ્ત્રીએ રવિન્દ્રની બેટિંગ શૈલી અને સ્ટ્રોક પ્લેની ખાસ નોંધ લીધી હતી, અને જણાવ્યું કે મોટી ટૂર્નામેન્ટમાં સદી ફટકારવી એ કોઈ સામાન્ય બાબત નથી, અને રવિન્દ્ર ખરેખર અસાધારણ પ્રતિભા ધરાવે છે.
વિલિયમસન વિશે વાત કરતા શાસ્ત્રીએ જણાવ્યું કે તે અતિ સ્થિર અને શાંત સ્વભાવનો ખેલાડી છે. શાસ્ત્રી માને છે કે વિલિયમસન પોતાના કામ પ્રત્યે અત્યંત સમર્પિત છે અને દબાણ વગર શાંતિથી રન બનાવે છે. તેમણે પરંપરાગત ક્રિકેટ શૈલી અને મજબૂત ફૂટવર્ક ધરાવતા ખેલાડીઓમાં વિલિયમસન, જો રૂટ અને વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો હતો. મિશેલ સેન્ટનરની કેપ્ટનશિપની પ્રશંસા કરતા શાસ્ત્રીએ કહ્યું કે તે ખૂબ જ સ્માર્ટ છે અને કપ્તાનીનો આનંદ માણી રહ્યો છે, જેનો ફાયદો તેની બેટિંગ, બોલિંગ અને સમગ્ર ક્રિકેટ પરફોર્મન્સમાં દેખાય છે.
રવિ શાસ્ત્રીએ ફાઈનલ મેચ વિશે એક મોટો દાવો કરતા કહ્યું કે મેચનો શ્રેષ્ઠ ખેલાડી કોઈ ઓલરાઉન્ડર હશે. તેમણે સંભાવના વ્યક્ત કરી કે ભારત તરફથી અક્ષર પટેલ અથવા રવિન્દ્ર જાડેજા, અથવા ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ પ્લેયર ઓફ ધ મેચ બની શકે છે. રવિ શાસ્ત્રીના આ નિવેદનોએ ફાઈનલ મેચ પહેલા રોમાંચ અને અપેક્ષાઓને વધુ તીવ્ર બનાવી દીધી છે.
આ પણ વાંચો....