New Zealand vs India final 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ પહેલાં જ ન્યૂઝીલેન્ડની ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે એવા સંકેત આપ્યા છે કે તેમની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાવાની છે, પરંતુ તે પહેલાં જ ન્યૂઝીલેન્ડના કોચના નિવેદનથી વિવાદ શરૂ થયો છે. ગેરી સ્ટેડે ફાઈનલ પહેલાં કહ્યું કે તેમની ટીમ માટે સૌથી મોટો ખતરો ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી છે. આ સાથે જ તેમણે લાહોરથી દુબઈની મુસાફરીને પણ મુશ્કેલ ગણાવી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જો કે, ટીમ ઈન્ડિયા પર ફાયદો ઉઠાવવાનો આરોપ લાગી રહ્યો છે. કેટલાક લોકો માની રહ્યા છે કે ટીમ ઈન્ડિયા પોતાની તમામ મેચ દુબઈમાં રમી રહી છે, જેના કારણે તેમને હોમ ગ્રાઉન્ડ જેવો ફાયદો મળી રહ્યો છે. સેમીફાઈનલમાં હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાએ પણ આવા જ આરોપો લગાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડના કેટલાક નિષ્ણાતો પણ સમાન વાત કહેતા જોવા મળ્યા હતા. હવે ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે પણ આ મુદ્દા પર ટિપ્પણી કરી છે. ગેરી સ્ટેડે જણાવ્યું કે તેમની ટીમ લાહોરથી દુબઈ પહોંચી છે અને તેમનો આખો દિવસ મુસાફરીમાં જ વેડફાઈ ગયો, જેના લીધે તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જો કે, સ્ટેડે એમ પણ ઉમેર્યું કે તેમની પાસે હજુ પણ ફાઇનલ મેચની તૈયારી માટે પૂરતો સમય છે.

શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે રવિવારે ભારત વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વરુણ ચક્રવર્તી તેમની ટીમ માટે સૌથી મોટો પડકાર સાબિત થશે. સ્ટેડે કહ્યું કે તેમની ટીમ આ રહસ્યમય સ્પિનરનો સામનો કરવા માટે ખાસ રણનીતિ બનાવશે. સ્ટેડે વધુમાં કહ્યું, 'વરુણે અમારી સામેની છેલ્લી મેચમાં 42 રન આપીને પાંચ મહત્વની વિકેટો ઝડપી હતી. તેથી અમને પૂરી ખાતરી છે કે તે ફાઇનલમાં પણ રમશે. વરુણ એક શાનદાર બોલર છે અને તેણે છેલ્લી મેચમાં પોતાની બોલિંગ ક્ષમતાનો પરચો બતાવ્યો હતો. તે અમારા માટે સૌથી મોટો ખતરો છે.' તેમણે એમ પણ ઉમેર્યું કે, 'વરુણને કેવી રીતે નિષ્ફળ બનાવવો અને તેની બોલિંગ સામે રન કેવી રીતે બનાવવા તેના પર અમારું ફોકસ રહેશે. અમે ભારત સામે લીગ સ્ટેજ મેચમાં થયેલી ભૂલોમાંથી બોધપાઠ લઈને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરીશું.'

દુબઈના વાતાવરણથી ભારતને થનારા ફાયદા વિશે પૂછવામાં આવતા સ્ટેડે કહ્યું કે આ બાબત તેમના નિયંત્રણમાં નથી. તેમણે કહ્યું, 'ટૂર્નામેન્ટનું શેડ્યૂલ બનાવવાનું કામ અમારું નથી, એટલે અમે તેના વિશે વધુ વિચારીને સમય બગાડવા માંગતા નથી. ભારતે તેમની બધી મેચ દુબઈમાં રમી છે, પરંતુ અમને પણ અહીં રમવાની તક મળી છે. અમે આ મેચના અનુભવમાંથી શીખીને ફાઇનલમાં સારું પ્રદર્શન કરવા પ્રયત્ન કરીશું.'

સ્ટેડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'ટૂર્નામેન્ટની શરૂઆતમાં આઠ ટીમો હતી, જેમાંથી હવે માત્ર બે ટીમ ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલ મેચ અમારા માટે એક મોટી તક છે અને અમે તેને એક સામાન્ય મેચની જેમ જ ગણી રહ્યા છીએ. રવિવારે જો અમે સારું રમીને ભારતને હરાવીશું તો મને ઘણી ખુશી થશે.' તમને જણાવી દઈએ કે લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને ભારત સામે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ક્રિકેટ ચાહકો એ જોવા માટે ઉત્સુક છે કે ફાઇનલ મેચમાં શું પરિણામ આવે છે.

આ પણ વાંચો....

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં આ દિગ્ગજોને આપી મોટી જવાબદારી