ind vs pak highlights: ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડીને શાનદાર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમે પાકિસ્તાનને ૬ વિકેટથી પરાજય આપીને ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં મળેલી કારમી હારનો બદલો પૂરો કર્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં લગભગ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે પાકિસ્તાન સતત બીજી મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે પહોંચી ગયું છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ હાઈવોલ્ટેજ મેચમાં વિરાટ કોહલી ભારતીય જીતનો સૌથી મોટો હીરો સાબિત થયો. વિરાટે અણનમ ૧૦૦ રનની શાનદાર સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૨૪૧ રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમ ૨૪૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી અને ૪૫ બોલ બાકી રહેતા જ ૬ વિકેટે લક્ષ્યાંકને પાર પાડી દીધો હતો.

ભારતીય ટીમે આ જીત સાથે વર્ષ ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લઈ લીધો છે. તે મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી હતી, જેનો હિસાબ ભારતે આ મેચમાં ચૂકતે કર્યો હતો. વિરાટ કોહલીની સદી અને ભારતીય બોલરોની શિસ્તબદ્ધ બોલિંગના કારણે પાકિસ્તાનને મેચમાં ક્યાંય ટકી શકવાની તક મળી ન હતી.

આ મેચમાં ભારતીય ટીમના પ્રદર્શનની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. વિરાટ કોહલીની બેટિંગ અને બોલરોની ચુસ્ત લાઇન-લેન્થના કારણે પાકિસ્તાન મેચમાં ક્યાંય ટક્કર આપી શક્યું નહીં. ભારતે આ જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનને વધુ મજબૂત બનાવ્યું છે, જ્યારે પાકિસ્તાન માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.

ભારત-પાકિસ્તાન મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર

ભારત અને પાકિસ્તાન બંને ગ્રુપ A માં છે, જેમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડનો પણ સમાવેશ થાય છે. આ મેચ પહેલા ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતું, પરંતુ પાકિસ્તાન પર જીત મેળવ્યા બાદ હવે તે ટોચ પર પહોંચી ગયું છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોઈન્ટ ટેબલ (ગ્રુપ A):

ક્રમ ટીમ મેચ જીત હાર નેટ રન રેટ પોઈન્ટ
1 ભારત 2 2 0 +0.647 4
2 ન્યુઝીલેન્ડ 1 1 0 +1.200 2
3 બાંગ્લાદેશ 1 0 1 -0.408 0
4 પાકિસ્તાન 2 0 2 -1.087 0

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોઈન્ટ ટેબલ (ગ્રુપ B):

ક્રમ ટીમ મેચ જીત હાર નેટ રન રેટ પોઈન્ટ
1 દક્ષિણ આફ્રિકા 1 1 0 +2.140 2
2 ઓસ્ટ્રેલિયા 1 1 0 +0.475 2
3 ઇંગ્લેન્ડ 1 0 1 -0.475 0
4 અફઘાનિસ્તાન 1 0 1 -2.14 0

બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ ટુર્નામેન્ટ અત્યાર સુધી નિરાશાજનક રહી છે. તેઓએ સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.