Kuldeep Yadav, IND vs PAK: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 5મી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાઈ રહ્યો છે. પાકિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને ભારતને પ્રથમ બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની શરુઆત કંઈ ખાસ નહોતી. ઓપનર બાબર આઝમ અને ઇમામ ઉલ હક ઇનિંગની શરૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ 10 ઓવરમાં આઉટ થઇને પેવેલિયન પરત ફર્યા હતા. બાબરે 23 જ્યારે ઈમામ 10 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ પછી કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે ક્રિઝ પર આવ્યા અને 100 રનની ભાગીદારી કરી. આ દરમિયાન શકીલ પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. 33 ઓવર સુધીમાં પાકિસ્તાને 2 વિકેટ ગુમાવીને 150 રન બનાવી લીધા હતા.

કુલદીપ યાદવે રચ્યો ઈતિહાસ 

અક્ષર પટેલે 34મી ઓવરમાં રિઝવાન અને શકીલની ભાગીદારી તોડી હતી. કેપ્ટન મોહમ્મદ રિઝવાન 46 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી સઈદ શકીલ પણ પેવેલિયન પરત ફર્યો હતો. શકીલને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો. રિઝવાન અને શકીલના આઉટ થયા બાદ પાકિસ્તાનની વિકેટો સતત પડતી રહી હતી. જાડેજાએ તૈયબ તાહિરનો શિકાર કરીને પાકિસ્તાનને પાંચમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ સલમાન આગાના રૂપમાં કુલદીપ યાદવે 200 રનના સ્કોર પર પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો આપ્યો અને પોતાનું ખાતું ખોલાવ્યું. આ સાથે કુલદીપે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી. તેણે 163મી મેચની 170મી ઇનિંગ્સમાં આ મહાન સિદ્ધિ હાંસલ કરી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 300 વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર બન્યો. તેણે સૌથી ઝડપી 300 આંતરરાષ્ટ્રીય વિકેટ લેવામાં આર અશ્વિન અને જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધા છે.

ભારતીય બોલરો જેમણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 300 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી 

146 - કપિલ દેવ161 - મોહમ્મદ શમી169 - અનિલ કુંબલે170 - કુલદીપ યાદવ*173 - રવિચંદ્રન અશ્વિન181 - જસપ્રીત બુમરાહ

સલમાન આગાની વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનની આખી ટીમ આગામી 41 રનમાં 49.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ સૌથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેણે 9 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી હતી. કુલદીપના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 302 વિકેટ છે. 

 

INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો