ભારતીય મહિલા ટીમે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવ્યું હતું. આ જીત સાથે તેણે ઇગ્લેન્ડ ટીમને વનડે શ્રેણીમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું હતું. એટલું જ નહીં, ભારતે ક્લિન સ્વીપ કરીને ઝુલન ગોસ્વામીને યાદગાર ભેટ આપી હતી. જો કે, આ ત્રીજી વન-ડે મેચ દરમિયાન ઇંગ્લેન્ડની છેલ્લી વિકેટને લઇને વિવાદ થયો હતો.






આ આખી ઘટના દીપ્તિ શર્માએ ફેંકેલી ઇનિંગ્સની 44મી ઓવરમાં બની હતી. તે સમયે ઇંગ્લેન્ડને જીતવા માટે 16 રનની જરૂર હતી અને ચાર્લોટ ડીન છેલ્લી બેટ્સમેન ફ્રેયા ડેવિસ સાથે મળીને ટીમને જીતાડવાનો પ્રયાસ કરી રહી હતી. નોન-સ્ટ્રાઈકરના છેડે ઉભેલી ચાર્લોટ ડીન દીપ્તિ શર્મા ઓવરનો ચોથો બોલ ફેંકે તે અગાઉ જ ક્રિઝની બહાર નીકળી ગઈ હતી. દીપ્તિએ ચતુરાઈ બતાવી અને બોલ ફેંકવાને બદલે બેઈલ ઉડાવી દીધી હતી.


ભારતીય ખેલાડીઓએ રન આઉટ (માંકડિંગ) માટે અપીલ કરી હતી, ત્યારબાદ થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી. રિપ્લેમાં સ્પષ્ટ જોઇ શકાતુ હતું કે ડીન સમય પહેલા જ ક્રિઝ છોડી ગઇ હતી અને થર્ડ અમ્પાયરે ઈંગ્લિશ બેટ્સમેનને રનઆઉટ જાહેર કર્યો હતો. રન આઉટ થયા બાદ ભારતીય ખેલાડીઓએ ઉજવણી શરૂ કરી દીધી છે. જ્યારે ઇગ્લેન્ડના ખેલાડીઓ નારાજ થયા હતા. ચાર્લોટ ડીન અને ફ્રેયા ડેવિસની આંખોમાં આંસુ હતા.


માંકડિંગના જણાવ્યા અનુસાર, જ્યારે બોલરને લાગે છે કે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બેટ્સમેન બોલ ડિલિવર થાય તેના ઘણા સમય પહેલા તેની ક્રિઝ છોડી રહ્યો હોય ત્યારે બોલર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બેટ્સમેનને રનઆઉટ કરી શકે છે. આમાં બોલ રેકોર્ડ થતો નથી પણ બેટર આઉટ થઈ જાય છે.


ઈંગ્લેન્ડના ચાહકો અને ખેલાડીઓ આનાથી ઘણા નિરાશ દેખાઈ શકે છે, પરંતુ આઈસીસીના મતે હવે માંકડિંગ આઉટ માન્ય ગણાય છે. ICCએ આ વર્ષે માંકડિંગને લૉ 41.16 માંથી રન-આઉટ નિયમ (38)માં શિફ્ટ કરી દીધું છે. મતલબ કે હવે માંકડિંગ આઉટ કરવો એ રમતની ભાવના વિરૂદ્ધ માનવામાં આવતું નથી. આ નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે.


હરમનપ્રીત કૌરે આ વાત કહી


આ અંગે કેપ્ટન હરમનપ્રીત કૌરને પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે તે રમતનો એક ભાગ છે, મને નથી લાગતું કે અમે કંઈ નવું કર્યું છે. હું મારા ખેલાડીઓનું સમર્થન કરીશ, તેણે નિયમોની બહાર કંઈ કર્યું નથી. દિવસના અંતે જીત એ એક જીત છે.


અશ્વિને બટલરને માંકડિંગ કર્યું હતું


IPL 2019 માં રવિચંદ્રન અશ્વિને રાજસ્થાન રોયલ્સના વિકેટ-કીપર બેટ્સમેન જોસ બટલરને માંકડિંગ આઉટ કર્યો હતો. જે પછી તેની ખેલદિલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તે વિકેટ પછી તે મેચ સંપૂર્ણપણે પલટાઇ ગઇ હતી. હવે અશ્વિન અને બટલર મિત્રો બની ગયા છે અને બંને IPL 2022માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે સાથે ક્રિકેટ રમે છે.