નવી દિલ્હીઃ વિશ્વભરમાં મહારાની બની ચૂકેલ કોરોના વાયરસના ખતરાને જોતા ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને નિર્ણય કર્યો છે કે હવે તેની કંપની આલ્કોહોલયુક્ત સેનિટાઇઝર બનાવશે. વોર્નની કંપનીમાં આ કામ શરૂ પણ થઈ ગયું છે. તેની કંપની ‘જિન’ બનાવતી હતી.


શેર્ન વોર્નની કંપની ‘708 જિન’એ 17 માર્ચે મેડિકલ ગ્રેડનું સેનિટાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે. આ 70 ટકા આલ્હોકોલયુક્ત સેનિટાઇઝર ઓસ્ટ્રેલિયાની બે હોસ્પિટલમાં સપ્લાઈ કરવામાં આવશે. વોર્ને કહ્યું, ઓસ્ટ્રેલિયાના લોકો માટે આ સમય ઘણો પડકારજનક છે. આ મરામારીથી બચવા અને લોકોને બચાવવા માટે દેશની સ્વાસ્થ્ય સેવા પ્રણાલીને મદદ માટે આપણે એ બધું જ કરીશું જે આપણે કરી શકીએ છીએ. વોર્ને કહ્યું કે તે ખુશ છે કે ‘708’આવો બદલાવ કરી શકે છે અને બીજાને પણ આમ કરવા માટે પ્રેરિત કરી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 565 કેસ સામે આવ્યા છે. જ્યારે આ મહામારીને લીધે છના મોત થયા છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં કોરોનાના કેસ વધવાથી હેન્ડ સેનિટાઇઝરની માગમાં ઉછાળો આવ્યો છે અને તેને ખરીદવા માટે અફરાતફરી મચી ગઈ છે. જણાવીએ કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના બે લાખથી પણ વધારે કેસ સામે આવ્યા છે અને 9000થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.