નવી દિલ્હીઃ કોરોના મહામારીની અસર હવે ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટરોની આવક પર પણ પડવા લાગી છે. દુનિયાભરમાં કેટલીય ક્રિકેટ સીરીઝ રદ્દ થઇ ગઇ છે, અને કેટલીક સ્થગિત થઇ ગઇ છે. કોરોના કાળમાં સૌથી વધુ કપરી પરિસ્થિતિ કેરેબિયન ક્રિકેટરોની થઇ છે. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો હાલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે.


ઇએસપીએન ક્રિકઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે, ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે પોતાના ખેલાડીઓને જાન્યુઆરીથી લઇને માર્ચ સુધીની મેચ પણ નથી આપી. સામાન્ય સ્થિતિમાં આ પેમેન્ટ ફેબ્રુઆરીના અંત સુધીમાં થઇ જતુ હોય છે, પણ હાલ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ આર્થિક સંકટ અને પૈસાની કમી સામે ઝઝૂમી રહ્યું છે.

કોરોના વાયરસના કારણે બોર્ડ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ખેલાડીઓને પણ મેચ ફી નથી આપી શક્યુ.



વેસ્ટ ઇન્ડિઝ પુરુષ ટીમને જાન્યુઆરીમાં આયરલેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 સીરીઝ અને પછી ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકા સામેની વનડે સીરીઝ માટે પણ મેચ ફી નથી ચૂકવાઇ, આ જ રીતે મહિલા ટીમને ફેબ્રુઆરી-માર્ચમાં રમાયેલા ટી20 વર્લ્ડકપની ફી હજુ સુધી નથી આપવામાં આવી. એટલુ જ નહીં ઘરેલુ ક્રિકેટરોને પણ પેમેન્ટ નથી કરવામાં આવ્યુ.

બોર્ડ અનુસાર, જે સ્ત્રોતોથી બોર્ડને પેમેન્ટ થવાનુ હતુ, કોરોના વાયરસના કારણે તેમાં રુકાવટ આવી ગઇ છે, અને એટલા માટે આર્થિક સંકટ ઉભુ થયુ છે. આ જ કારણે ખેલાડીઓના પેમેન્ટ પર અસર પડી રહી છે.

ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના સીઇઓ જોની ગ્રેવે જણાવ્યુ કે, બોર્ડ હાલ મુશ્કેલી સમયમાંથી પસાર થઇ રહ્યું છે, બધા ખેલાડીઓે આવનારા સમયમાં પુરેપુરુ પેમેન્ટ આપવાનો દિલાસો આપ્યો છે. બધા ખેલાડીઓે ઇમેલ મારફતે પેમેન્ટમાં મોડુ થવાની માહિતી આપી દીધી છે, અને ખેલાડીઓ પાસે માફી માગી છે.