મુંબઇઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને આઇપીએલ 2020ને 15 એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, આ પહેલા આઇપીએલની 13મી સિઝન 29 માર્ચથી શરૂ થવાની હતી. હવે આઇપીએલની નવી તારીખોને લઇને કેટલાક ખુલાસા સામે આવ્યા છે.

શનિવારે મળેલી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આઇપીએલ 13 સિઝનને લઇને કેટલીક ચર્ચાઓ થઇ હતી. જેમાં નવી સંભવિત તારીખો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.



આ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં બોર્ડ પદાધિકારીઓની સાથે આઇપીએલ ચેરમેન બ્રજેશ પટેલે ફ્રેન્ચાઇઝીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં આઇપીએલની નવી તારીખોમાં 5 સંભવિત તારીખો પર ચર્ચા કરાઇ હતી, આમાં 15 એપ્રિલ, 21 એપ્રિલ, 25 એપ્રિલ, 1લી મે અને 5મી મે 2020નો સમાવેશ થયો હતો.

જો આ પાંચમાંથી કોઇ તારીખે આઇપીએલની 13મી સિઝન રમાવવાનુ શરૂ થશે તો નક્કી છે કે મેચોમાં ઘટાડો આવી શકે છે.