નવી દિલ્હી: પાકિસ્તાનના ક્રિકેટર અઝહર અલીએ કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ માટે ફંડ ભેગુ કરવા માટે પોતાના બેટ અને જર્સીને હરાજીમાં મૂકી હતી. બેટને પૂણે સ્થિત બ્લેડ્સ ઑફ ગ્લોરી ક્રિકેટ મ્યૂઝિયમે સૌથી મોટી બોલી લગાવીને ખરીદ્યું હતું.



પૂણે સ્થિત ક્રિકેટ મ્યૂઝિયમે અઝર અલીના બેટને 10 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. તે સિવાય કેલિફોર્નિયામાં રહેતી એક પાકિસ્તાનીએ તેમની શર્ટને 11 લાખ રૂપિયામાં ખરીદી હતી., જ્યારે ન્યૂજર્સીમાં રહેતા પાકિસ્તાનીએ આ પહેલમાં એક લાખ રૂપિયા દાન કર્યું. આ રીતે અઝહર અલીએ કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈના ફંડમાં 22 લાખ રૂપિયા ભેગા કરવામાં સફળ રહ્યાં.



અઝહર અલીએ આ બેટથી 2016માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 302 રન બનાવ્યા હતા. તે સિવાય જે જર્સી હરાજીમાં મૂકી હતી તે ભારત વિરુદ્ધ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં પહેરી હતી. આ બેટ અને જર્સી પર પાકિસ્તાન ક્રિકેટ ટીમના તમામ સભ્યોની સહી હતી. ઉલ્લેખનીય છે કે, અઝહર અલી ડે નાઈટ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારન પ્રથમ ખેલાડી બન્યો હતો. ગત વર્ષે તેમણે પાકિસ્તાન ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી.