Cricket And Heart Attack Cases: ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા અને માઠા સમાચાર સામે આવ્યા છે. એક યુવાનનું ક્રિકેટ રમતાં રમતાં મોત થયુ છે, કહેવાઇ રહ્યું છે કે યુવા ક્રિકેટરને ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને પીચ પર જ તેનુ મોત થયુ હતુ. દિલ્હીના નોઈડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ક્રિકેટ મેચ રમી રહેલા એક યુવા ક્રિકેટરનું રન લેતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મોત થયુ છે. આ ઘટના થાણા એક્સપ્રેસ-વે વિસ્તારના સેક્ટર-135માં બની હતી. 


હાલમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક ક્રિકેટર મેચની વચ્ચે રન લેવા માટે દોડી રહ્યો છે અને પછી તે અચાનક પીચની વચ્ચે ઢળી પડે છે. પોતાના સાથી ખેલાડીને પીચ પર પડતા જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ તેની પાસે દોડી આવ્યા છે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. યુવકને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.


સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો 
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે કેટલાક ક્રિકેટરો સેક્ટર-135 પુસ્તામાં બનેલા સ્ટેડિયમની અંદર ક્રિકેટ મેચ રમી રહ્યા હતા. આ દરમિયાન મૂળ ઉત્તરાખંડનો 36 વર્ષીય ક્રિકેટર વિકાસ નેગી બેટિંગ કરવા આવ્યો હતો. ક્રિેકટ મેચ રમતી વખતે વિકાસ રન લેવા દોડ્યો અને અચાનક તે પીચ પર હાંફતો-ફાંફતો ઢળીને નીચે પડી ગયો. વિકાસને પડતા જોઈ તેના સાથી ક્રિકેટરો તેની પાસે દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં વિકાસને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો જોયા બાદ લોકો પણ આવા આકસ્મિક મૃત્યુને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.






પોલીસે શું કહ્યું ?
આ સમગ્ર મામલાની માહિતી આપતા નોઈડા પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે બની હતી. મૃતક ક્રિકેટર મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને હાલ દિલ્હીના રોહિણીમાં રહેતો હતો. ક્રિકેટ રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા વિકાસ પીચ પર પડી ગયો હતો. મૃતક ક્રિકેટર નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. પરિવારજનોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


ક્રિકેટર વિકાસના આકસ્મિક મૃત્યુથી પરિવારજનો અને મિત્રો આઘાતમાં છે. તે સ્વસ્થ હતો, પોતાને ફિટ રાખવા માટે વિકાસ અવારનવાર નોઈડા અને દિલ્હીના ક્રિકેટ મેદાનમાં મેચ રમવા આવતો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં હાર્ટ એટેકના મામલા વધી રહ્યા છે, જેણે દરેકને ચિંતામાં મૂકી દીધા છે. દરરોજ હાર્ટ એટેકથી યુવાનોના મોતના સમાચાર આવે છે.