લંડનઃ કોરોના કાળને લઇને ક્રિકેટ મેચો બંધ હતી, હવે ધીમે ધીમે ક્રિકેટ મેચો શરૂ થઇ રહી છે. મેચો દર્શકોની ગેરહાજરીમાં રમાઇ રહી છે, ત્યારે હવે ઇંગ્લેન્ડે આગામી સપ્તાહે દર્શકોને ક્રિકેટ મેચ જોવા જવા માટે પરમીશન આપી દીધી છે. ઇંગ્લેન્ડની યોજના ઓક્ટોબરથી સ્ટેડિયમને વ્યાપક રીતે ખોલવાની છે.


માર્ચ બાદ 26 અને 27 જુલાઇએ ઘરેલુ ક્રિકેટની પહેલી મેચ રમાશે, જેમાં ઇંગ્લેન્ડે દર્શકોને સ્ટેડિયમમાં જવાની પરમીશન આપી દીધી છે. 31 જુલાઇથી શફિલ્ડમાં વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ શરૂ થવાની છે, જે પહેલી ઓગસ્ટે ગ્લોરિયસ ગુડવુડ ઘોડા રેસ મહોત્સવની સાથે સરકારની દર્શકોની વાપસીનો ભાગ છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે કહ્યું કે,- ઓક્ટોબરે અમે દર્શકોને સ્ટેડિયમમાં લાવવાની ઇચ્છા રાખીએ છીએ. પરંતુ શરૂઆતી સફળ પરિણામો બાદ જ કૉવિડ-19 માટેના સુરક્ષિત માહોલમાં જ આ એક્શન લેવાશે.



જોકે, બીજીબાજુ મહામારીને લઇને સલાહ આપનારા પ્રૉફેસર સુસાન મિશીએ ડર વ્યક્ત કર્યો છે, તેમના મતે આ પગલુ બહુ ઉતાવળભર્યુ છે. ખાસ કરીને ઇન્ડોર સ્થળો પર દર્શકોની હાજરીથી કોરોનાનુ સંક્રમણ વધી શકે છે, અને આ કારણે ફરીથી લૉકડાઉન લગાવવાની ફરજ પણ પડી શકે છે.

તેમના મતે સ્ટેડિયમમાં પ્રવેશ, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને વન વે પ્રણાલી પર નિયમો કડક કરવા પડશે. ત્યાં બેરિયર કે સ્ક્રિન લગાવી શકાય છે.



નોંધનીય છે કે, દુનિયામાં બંધ પડેલી ક્રિકેટ હવે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચથી શરૂ થઇ ગઇ છે. ધીમે ધીમે ક્રિકેટની વાપસી થઇ રહી છે.