T20 World Cup 2022: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આઇસીસીએ ચાલુ વર્ષે રમાનારા ક્રિકેટ ટી20 વર્લ્ડકપની મેચોનુ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. ક્રિકેટના નાના ફોર્મેટનો આ મહાકુંભ આગામી 16મી ઓક્ટોબરથી 13મી નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રમાશે. તમામ મેચો ઓસ્ટ્રેલિયાના સાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જેમાં બ્રિસબેન, પર્થ, એડિલેડ, સિડની, મેલબોર્ન, હોબાર્ટ અને ગિલોન્ગના ક્રિકેટ ગ્રાઉન્ડને સમાવેશ કરવામાં આવ્યા છે.
આઇસીસીએ ટી20 ક્રિકેટ વર્લ્ડકપ 2022ની જાહેરાત પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કરી છે, અહીં સમગ્ર શિડ્યૂલને પૉસ્ટ કરવામાં આવ્યુ છે. T20 વર્લ્ડ કપ 2022ના શરૂઆતના 6 દિવસોમાં એટલે કે, 16મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી ફર્સ્ટ રાઉન્ડના મુકાબલા રમાશે. ત્યાર બાદ 22મી ઓક્ટોબરથી સુપર 12ના મુકાબલા શરૂ થશે. આ ટુર્નામેન્ટનો પહેલો નોકઆઉટ સેમીફાઈનલ મુકાબલો 9 નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજો સેમીફાઈનલ મુકાબલો 10 નવેમ્બરના રોજ એડિલેડ ઓવલમાં રમાશે. આ બંને મુકાબલાની વિજેતા ટીમ 13 નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઈનલ મુકાબલો રમવા માટે ઉતરશે.
ખાસ વાત છે કે, આ ક્રિકેટ મહાકુંભમાં ભારત-પાકિસ્તાનની ફરી એકવાર આમને સામને ટક્કર થતી જોવા મળશે. આ મહાકુંભમાં ભારતીય ટીમનો પ્રથમ મેચ 23 ઓક્ટોબરે ચિરપ્રતિદ્વંદી પાડોશી દેશ પાકિસ્તાન સાથે છે. બંને ટીમ પોતાની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.
--