cricket in olympics 2028 qualification: 128 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે 'લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028' (Los Angeles Olympics 2028) માં ક્રિકેટનું ઐતિહાસિક પુનરાગમન થવા જઈ રહ્યું છે. અગાઉ છેલ્લે વર્ષ 1900 માં ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લાંબા વિલંબ બાદ ક્રિકેટના પુનરાગમનને લઈને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા એક ખાસ ક્વોલિફિકેશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાન મુજબ પુરુષ અને મહિલા T20 ટુર્નામેન્ટમાં માત્ર 6-6 ટીમો ભાગ લેશે, જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અત્યારથી જ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
મહિલા વર્ગમાં ભારત સહિત 4 ટીમો ક્વોલિફાય
ઓલિમ્પિક ક્વોલિફિકેશન માપદંડ અનુસાર, આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓશનિયા ખંડમાંથી કુલ 6 ટીમો ભાગ લેશે. જેમાં મહિલા ટુર્નામેન્ટ માટે 2026 T20 વર્લ્ડ કપના પ્રદર્શનના આધારે 4 ટીમોની સત્તાવાર પુષ્ટિ કરી દેવામાં આવી છે. આ ચાર ટીમોમાં ભારત (Team India), ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ દ્વારા પ્રતિનિધિત્વ) અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ ટીમો હવે સીધી 2028 ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે ટકરાશે.
પુરુષોની ટીમોનું સિલેક્શન T20 રેન્કિંગના આધારે થશે
પુરુષોની ટીમોનું ક્વોલિફિકેશન T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધારે નક્કી કરવામાં આવશે. નવા નિયમો હેઠળ, 31 ડિસેમ્બર 2026 સુધીમાં આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓશનિયાની સૌથી વધુ ક્રમાંકિત ક્વોલિફાઇડ ટીમો ઓલિમ્પિકમાં આગળ વધશે. જો કે, આ માટે એક મોટી શરત એ છે કે ટીમોએ ICC રેન્કિંગમાં ટોચના 15 (Top 15) માં સ્થાન મેળવવું ફરજિયાત રહેશે.
આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
યજમાન યુએસએ અને વેસ્ટ ઇન્ડીઝ માટે શું છે નિયમ?
યજમાન દેશ હોવા છતાં યુનાઇટેડ સ્ટેટ્સ (USA) ની ટીમે સીધા પ્રવેશ માટે ક્વોલિફાઇંગ વિન્ડો દરમિયાન ટોચના 15 માં સ્થાન મેળવવું પડશે. યુએસએની ટીમ આ માપદંડ પૂર્ણ કરી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ, વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઓલિમ્પિકમાં 'સંયુક્ત ટીમ' તરીકે ભાગ લઈ શકશે નહીં. જો તેઓ લાયક ઠરે છે, તો ઓલિમ્પિક ક્વોલિફાયર માટે કેરેબિયન ક્વોલિફાયર દ્વારા પ્રાદેશિક પ્રતિનિધિ નક્કી કરવામાં આવશે.
બાકી રહેલા સ્થાનોનો નિર્ણય 2027 માં થશે
પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં 6 ટીમોનો કોટા પૂરો કરવા માટે અંતિમ સ્થાનોનો નિર્ણય પ્રારંભિક 'ICC ઓલિમ્પિક ક્વોલિફાયર 2027' દ્વારા કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે, જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને લોસ એન્જલસ ઓલિમ્પિકની ટિકિટ મળશે.
આ પણ વાંચોઃ શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
