T20 World Cup 2024 Prize Money: ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ ટૂર્નામેન્ટ માટે કુલ 11.25 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમની જાહેરાત કરી હતી. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે 93.5 કરોડ રૂપિયા જેટલી છે. તમને જણાવી દઈએ કે 2022માં આયોજિત વર્લ્ડકપની સરખામણીમાં ઈનામની રકમ લગભગ બમણી થઈ ગઈ છે કારણ કે બે વર્ષ પહેલા રાખવામાં આવેલી ઈનામની રકમ લગભગ 46.6 કરોડ રૂપિયા હતી. જેમાંથી લગભગ 13.3 કરોડ રૂપિયા વિજેતા ટીમ ઈંગ્લેન્ડને ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ 2024 ટી20 વર્લ્ડકપમાં વિજેતા ટીમને કેટલા પૈસા મળવાના છે.
વિજેતાને મળશે લગભગ 20 કરોડ
ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને સામને ટકરાશે અને તેમાંથી જે પણ વિજેતા બનશે તેને ભારતીય ચલણમાં લગભગ 20.4 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. બીજીતરફ, રનર્સ અપને આમાંથી અડધુ એટલે કે 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ વર્લ્ડકપમાં સૌથી નીચું સ્થાન મેળવનારી ટીમોને પણ પૈસા આપવામાં આવશે. સેમિફાઇનલમાં હારનારી ટીમો પણ અમીર બનશે, કારણ કે તે બંને ટીમોને 6.5 કરોડ રૂપિયા મળવાના છે.
અન્ય ટીમો પણ થશે માલામાલ
4 સેમિફાઈનલ ટીમો ઉપરાંત સુપર-8 સ્ટેજથી આગળ ના વધી શકી તે 4 ટીમો માટે પણ ઘણા પૈસા ફાળવવામાં આવ્યા છે. સુપર-8થી આગળ ના વધનારી દરેક ટીમને અંદાજે 3.19 કરોડ રૂપિયા મળશે. ઈનામી રકમનો લાભ માત્ર આ ટીમોને જ નહીં પરંતુ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગયેલી 12 ટીમોને પણ મળશે. ગ્રુપ સ્ટેજમાં તેના ગ્રુપમાં ત્રીજા ક્રમે આવનાર દરેક ટીમને 2.5 કરોડ રૂપિયા મળશે. જે ટીમો પોઈન્ટના આધારે 13માથી 20મા ક્રમે છે. તે દરેક ટીમને 1.87 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.
દર મેચ જીતવા પર 26 લાખ રૂપિયા
ICC એ ઈનામની રકમમાં એક જોગવાઈ પણ ઉમેરી છે કે ટી20 વર્લ્ડકપ 2024માં મેચ જીતવા પર 26 લાખ રૂપિયા અલગથી આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ જીત નોંધાવવામાં સફળ રહી છે, તો તેને અલગથી 26 લાખ રૂપિયા મળશે. 2 મેચ જીતનાર ટીમને 52 લાખ રૂપિયાની અલગથી રકમ આપવામાં આવશે.