World Cup 2023: આવતીકાલે ભારતીયો માટે ખાસ દિવસ છે, કેમ કે, ભારતીય ટીમ 12 વર્ષ બાદ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમી રહી છે, અને 2011 બાદ રોહિત શર્માની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરાશે, આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ આ મેચ પહેલા અમદાવાદ અને સમગ્ર ગુજરાતની હૉટલોના ભાવો આસામને પહોંચ્યા છે. હાલમાં જ માહિતી મળી રહી છે કે ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ મેચને નીહાળવા માટે હવે લોકોએ વડોદરાની પણ હૉટલો બુક કરાવવાનુ શરૂ કરી દીધુ છે, જેના કારણે વડોદારમાં પણ એક રૂમનું એક રાતનું ભાડુ આસમાને પહોંચ્યુ છે.
વર્લ્ડકપની ફાઇનલ પહેલા વડોદરામાં હૉટલોના ભાડામાં પણ જબરદસ્ત વધ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડકપ ફાઇનલને લઇ વડોદારા શહેરની હૉટલોના રૂમના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. અહીં લગભગ શહેરની તમામ હૉટલો હાઉસફૂલ થઇ ગઇ છે. અહીં એક દિવસનું હૉટલના રૂમનું ભાડું વધીને 6,000થી 21,000 સુધી પહોંચી ગયુ છે. ખાસ વાત છે કે, ભારતીયો ઉપરાંત અમેરિકા, યૂકે સહિતના દેશોમાં વસતા ક્રિકેટપ્રેમીઓ એનઆરઆઈનો જમાવડો આ દરમિયાન થવાનો છે. જેના કારણે શહેરની કેટલીય હૉટલના રૂમના ભાડામાં રાતોરાત વધારો થયો છે.
પીએમ મોદી પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે
4 વર્ષ પછી યોજાનારી આ મહાન મેચમાં પીએમ નરેન્દ્ર મોદી પોતે તેમના નામે બનેલા આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ નિહાળશે. આવી સ્થિતિમાં દૂર-દૂરથી ભારતીય ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે, પરંતુ ટિકિટ મળી રહી નથી. આવી સ્થિતિમાં અમદાવાદ ક્રિકેટ જોવા જતા લોકોને મધ્ય રેલવેએ મોટી ભેટ આપી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
સેન્ટ્રલ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ 19 નવેમ્બરે ફાઇનલ ક્રિકેટ મેચ માટે બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ (01153) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી 18મી નવેમ્બર (શનિવાર) ના રોજ રાત્રે 10.30 વાગ્યે અમદાવાદ, ગુજરાત માટે ઉપડશે અને રવિવારે સવારે 6.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરંતુ ટ્રેન દાદર, થાણે, વસઈ સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં મુસાફરી કરતા ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચ્યા બાદ આરામથી મેચ નિહાળી શકશે. તે પછી, પરત ફરવા માટે, અમદાવાદ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ (01154) 19-20 નવેમ્બર (સોમવારે) રાત્રે 01.44 કલાકે મુંબઈ માટે રવાના થશે, જે સવારે 10.35 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.
તેવી જ રીતે મધ્ય રેલવેએ પણ બીજી ટ્રેનની જાહેરાત કરી છે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વિશેષ ટ્રેન (09011) બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને 18મી નવેમ્બર (શનિવાર)ના રોજ અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાત્રે 11.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે (19 નવેમ્બર) સવારે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. માનવામાં આવે છે કે રેલવેની આ પહેલને કારણે ક્રિકેટ નિહાળનારાઓને મોટી રાહત મળી શકે છે.