Ajinkya Rahane County Championship: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. તે જ સમયે, આ શ્રેણી પછી ટીમ ઇન્ડિયાનો ખેલાડી અજિંક્ય રહાણે ઇંગ્લિશ કાઉન્ટી ટીમ લેસ્ટરશાયર માટે ડિવિઝન-2માં રમતા જોવા મળશે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગનો નજારો રજુ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તે ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. વાસ્તવમાં, અજિંક્ય રહાણેએ જાન્યુઆરીમાં લેસ્ટરશાયર સાથે કરાર કર્યો હતો.


અજિંક્ય રહાણે લેસ્ટર કાઉન્ટી ટીમ તરફથી રમશે


અજિંક્ય રહાણે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે લેસ્ટરશાયર માટે આઠ ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો હતો. આ સિવાય આખો રોયલ લંડન કપ રમવાનો હતો, પરંતુ ટીમ ઈન્ડિયામાં પરત ફરવાના કારણે તે લેસ્ટરશાયર કાઉન્ટી ટીમમાં સામેલ થઈ શક્યો નહોતો. માનવામાં આવે છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચ રમ્યા બાદ અજિંક્ય રહાણે સીધો ઈંગ્લેન્ડ જવા રવાના થઈ જશે. તે ઓગસ્ટમાં રોયલ લંડન કપ અને સપ્ટેમ્બરમાં કદાચ ચાર કાઉન્ટી મેચ રમશે. આ સાથે જ અજિંક્ય રહાણે બીજી વખત કાઉન્ટી ક્રિકેટ રમતા જોવા મળશે.


અજિંક્ય રહાણે બીજી વખત કાઉન્ટી ક્રિકેટ રમશે


ઉલ્લેખનીય છે કે, આ પહેલા અજિંક્ય રહાણે વર્ષ 2019માં હેમ્પશાયર તરફથી રમી ચૂક્યો છે. તે જ સમયે, હવે આ ખેલાડી તેના બીજા કાઉન્ટી સત્ર માટે તૈયાર છે. અજિંક્ય રહાણેએ IPL 2023ની સિઝનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા અદભૂત બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. અજિંક્ય રહાણેએ IPL 2023ની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર બેટિંગ કરી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી. આ પછી અજિંક્ય રહાણેએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પોતાની બેટિંગથી પસંદગીકારોના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.


WTC ફાઈનલમાં અજિંક્ય રહાણેના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ લંડનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી અજિંક્ય રહાણેએ આ મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે ટેસ્ટ કારકિર્દીના 100 કેચ પૂરા કર્યા. રહાણે ટેસ્ટ ફોર્મેટમાં ભારત તરફથી સૌથી વધુ કેચ લેવાના મામલે 7મા નંબર પર છે. ટીમ ઈન્ડિયાએ મેચના બીજા દિવસના અંત સુધી 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવી લીધા છે.


ઓસ્ટ્રેલિયાએ મેચના બીજા દિવસે ઓલઆઉટ થાય ત્યાં સુધી 469 રન બનાવ્યા હતા. આ પહેલા પેટ કમિન્સ અને બોલેન્ડના રૂપમાં ટીમની છેલ્લી જોડી મેદાન પર હતી. સિરાજના બોલ પર કમિન્સે શોટ રમ્યો, બોલ રહાણે સુધી પહોંચ્યો. તેણે કોઈપણ ભૂલ વગર કેચ લીધો હતો. આ રીતે કમિન્સ આઉટ થયો. તેના આઉટ થતાની સાથે રહાણેએ કેચ પકડવાની સદી પૂરી કરી હતી. તેણે અત્યાર સુધી રમાયેલી 158 ટેસ્ટ ઇનિંગ્સમાં 100 કેચ પકડ્યા છે. આ દરમિયાન એક ઇનિંગમાં સૌથી વધુ 5 કેચ લેવામાં આવ્યા છે.


ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. તેણે 163 મેચમાં 209 કેચ પકડ્યા છે. VVS લક્ષ્મણ બીજા નંબર પર છે. તેણે 134 મેચમાં 135 કેચ પકડ્યા છે. ત્રીજા નંબર પર સચિન તેંડુલકર છે. તેણે 200 મેચમાં 115 કેચ પકડ્યા છે. વિરાટ કોહલી 109 કેચ સાથે ચોથા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે પ્રથમ દાવમાં ઓલઆઉટ થવા સુધી 469 રન બનાવ્યા છે. બીજી તરફ ભારતીય ટીમે 151 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી અજિંક્ય રહાણે 29 રન બનાવીને અણનમ છે. શ્રીકર ભરતે 5 રન બનાવ્યા છે.