હૈદરાબાદમાં એક ક્લબ મેચ દરમિયાન એક ક્રિકેટરનું મોત થયું હતું જોકે તેનું કારણ કોઈ દુર્ઘટના કે ઈજા નહોતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રવિવારે એક વન-ડે લીગ મેચ દરમિયાન 41 વર્ષીય બેટ્સમેન વીરેન્દ્ર નાયકનું મોત નિપજ્યું હતું. તેઓ હૈદરાબાદમાં મારડપલ્લી સ્પોર્ટિંગ ક્લબનો ખેલાડી હતો અને તે રવિવારે શાનદાર અડધી સદી પણ ફટકારી હતી પરંતુ આઉટ થયા બાદ તે પેવેલિયન પરત ફરતો હતો તે દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું.

અંગ્રેજી અખબાર ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ, વીરેન્દ્ર નાયકના મોતનું કારણ હાર્ટ અટેક છે. વીરેન્દ્રના ભાઈ અવિનાશે પોલીસને જણાવ્યું હતું કે, વીરેન્દ્ર બ્લડપ્રેશરની દવાઓ લેતો હતો. વીરેન્દ્ર નાયકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વીરેન્દ્ર નાયક મહારાષ્ટ્રના સાવંતવાડીના રહેવાસી હતો જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુત્રો પ્રમાણે, રવિવારે રમાયેલી મેચમાં વીરેન્દ્ર નાયકે 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વીરેન્દ્ર નાયક વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. વીરેન્દ્ર જેવો પેવેલિયન પહોંચ્યો ત્યાં જ તેનું માથું દીવાલ સાથે ટકરાયું હતું અને તે નીચે પડી ગયો હતો.

ત્યાર બાદ તેના સાથી ખેલાડી તેને કારમાં હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વીરેન્દ્રએ સિકંદરાબાદની યશોદા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.