IND vs AFG: નવી દિલ્હીમાં રમાયેલી વર્લ્ડકપની મેચમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવીને વર્લ્ડકપમાં સતત બીજી જીત નોંધાવી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર આ મેચનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ક્રિકેટ ફેન્સ ટીમ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે ‘વંદે માતરમ’ ગાતા જોવા મળી રહ્યા છે.






વીડિયોમાં જોઇ શકાય છે કે આખા સ્ટેડિયમમાં અંધારુ છે અને આખા સ્ટેડિયમમાં હાજર ક્રિકેટના ચાહકો પોતાના મોબાઇલની લાઇટો ચાલુ કરી હતી અને સ્ટેડિયમમાં એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે અને આ દરમિયાન ચાહકોએ વંદે માતરમ ગાવાનું શરૂ કરી છે. અને આખા સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો આ ગીત ગાતા જોવા મળ્યા હતા.  આ પછી લાઇટ ચાલુ થતા મેચ ફરી શરૂ થાય છે.


આ પહેલા અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ માત્ર 35 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સાથે રમાશે. 


ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. કપિલ દેવનો રેકોર્ડ તોડતા તેણે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જ્યારે ભારતીય કેપ્ટને 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 131 રનની ઇનિંગ રમી હતી. રોહિત ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે. જ્યારે અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.


રોહિત શર્માએ વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્ચો છે. તે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે 63 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. આ પહેલા પણ રોહિતે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો ખેલાડી બન્યો હતો. ઉપરાંત તેણે વર્લ્ડકપમાં 1000 રન પણ પૂરા કર્યા હતા. રોહિત શર્મા 84 બોલમાં 131 રનની શાનદાર ઈનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો.