નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાનો  ડેવિડ મિલર મહેન્દ્રસિંહ ધોનીની જેમ મેચ ફિનિશર બનવા માંગે છે . મિલર ધોનીની જેમ લક્ષ્યનો પીછો કરતા દબાણની સ્થિતિમાં શાંત રહેવાનો ગુણ શીખવા માંગે છે. મિલર 19 સપ્ટેમ્બરે શરૂ થઇ રહેલી આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમશે. તે આઠ વર્ષ સુધી કિંગ્સ ઇલેવન પંજાબ ટીમમાં હતો.


તેણે ઇએસપીએન ક્રિકઇન્ફ્રોને કહ્યું હતું કે, ધોની જે રીતે રમે છે. હું તેનો પ્રશંસક છું. તે દબાણની ક્ષણોમાં પણ શાંત રહીને રમે છે. હું પણ તેની જેમ મેદાનમાં રમવા માંગું છું. મિલરે કહ્યું કે, બેટ્સમેન તરીકે તેમની તાકાત અને નબળાઇ છે અને મારી પણ છે. હું લક્ષ્યનો પીછો કરતા સમયે તેમની જેમ બેટિંગ કરવા માંગું છું. હું તેની જેમ ફિનિશર બનવા માંગુ છુ. ધોની દુનિયાના સર્વેશ્રેષ્ઠ ફિનિશર્સમાંનો એક છે અને અનેકવાર સાબિત કરી ચૂક્યો છે.

મિલરે છેલ્લા વર્ષે પંજાબ માટે 10 મેચમાં 213 રન બનાવ્યા હતા. મિલરે કહ્યું કે ગયા વર્ષે પંજાબ માટે હું વધારે મેચ રમી શક્યો નહોતો. આ કારણ છે કે મેચ પણ જીતાડી શકતો નહોતો. હવે મારી પાસે વધારે અનુભવ છે અને મને ખ્યાલ છે કે મારે શું કરવાનું છે.