નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝની વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટ છેકે ત્રીજી વનડે અને ટી20 સીરીઝમાં ડેવિડ વોર્નર બહાર થયો છે, વોર્નરની ઇજા વધુ છે જેથી તે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવી શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ભારત સામે રમાયેલી બીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ડેવિડ વોર્નર ઇજાગ્રસ્ત થયો હતો.

રિપોર્ટ્સનુ માનીએ તો વોર્નરને ફિલ્ડિંગ દરમિયાન ગ્રોઇન ઇન્જરી થઇ છે, અને આ કારણે ટેસ્ટ સીરીઝમાંથી પણ બહાર થઇ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ થઇ રહી છે.

જોકે, ઓસ્ટ્રેલિયન ટીમના કૉચ જસ્ટિન લેન્ગરે વોર્નરને ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી ગણાવ્યો. લેન્ગરે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ડેવિડ વોર્નર ટેસ્ટ સીરીઝ પહેલા એકદમ ફીટ થઇ જાય. વોર્નર છેલ્લા કેટલાય વર્ષોથી ઘરઆંગણાની સીરીઝમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે.



લેન્ગરે કહ્યું કે, વોર્નરની ઇન્જરી વિશે હાલ કંઇ નથી કહી શકાતુ. પરંતુ આગળનો સમય અમારા માટે પડકારરૂપ હશે. અમે ઇચ્છીએ છીએ કે પેટ કમિન્સ પણ એકદમ ફિટ રહે, એટલે તેને આરામ આપવાનો અમે ફેંસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે કાંગારુ ફાસ્ટ બૉલર પેટ કમિન્સને ટી20 સીરીઝમાંથી બહાર રખાયો છે. જ્યારે ડેવિડ વોર્નરની જગ્યાએ ત્રીજી વનડે માટે ડાર્સી શોર્ટને સામેલ કરવામાં આવ્યો છે.

હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ ચાલી રહી છે. સીરીઝમાં પ્રથમ બે વનડે જીતીને કાંગારુ ટીમે ભારત પર 2-0ની લીડ બનાવી લીધી છે.