શરૂઆતમાં દમદાર પ્રદર્શનથી પૉઇન્ટ ટેબલ પર ટૉપનુ સ્થાન હાંસલ કરનારી દિલ્હી કેપિટલ્સની ટીમ હવે મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. અડધી સિઝન દિલ્હીની ટીમ નંબર વન પર રહી, પરંતુ છેલ્લી ત્રણ મેચોમાં મળેલી હાર બાદ હવે પ્લેઓફમાં પોતાનુ સ્થાન નક્કી કરવા હજુ રાહ જોવી પડશે. મંગળવારે હૈદરાબાદે દિલ્હીને 88 રને માત આપતા બાજી પલટાઇ ગઇ હતી.
ખાસ વાત છે કે શ્રેયસ અય્યરની આગેવાની વાળી દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક જીત જોઇએ છે, પરંતુ હવે તે કઠીને છે કેમકે દિલ્હીની આગામી બે મેચો મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ છે, જેમાં દિલ્હીને પડકારોનો સામનો કરવો પડી શકે છે. કેમકે હાલ મુબઇ અને બેંગ્લૉરની ટીમ આ સિઝનની ટૉપની નંબર વન અને નંબર બે ટીમ છે. જો દિલ્હી આગામી બન્ને મેચો હારી જાય છે તો તે આઇપીએલમાંથી બહાર થઇ શકે છે.
દિલ્હીની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ હાલ પૉઇન્ટ ટેબલમાં નંબર ત્રણની પૉઝિશન પર છે, 12 મેચોમાંથી 5 હાર અને 7 જીત સાથે 14 પૉઇન્ટ મેળવ્યા છે. પરંતુ પ્લેઓફમાં જવા માટે દિલ્હીને હજુ એક મેચ એટલે કે બે પૉઇન્ટની જરૂર છે.