ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વર્તમાન આઠ ફ્રેન્ચાઈઝી માટે ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ આજે (મંગળવારે) પૂરી થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સે  જે  ખેલાડીઓને રિટેન કર્યા તેની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે.  


1 રિષભ પંત- 16 કરોડ રૂપિયામાં રિટેન
2 અક્ષર પટેલ- 9 કરોડ રૂપિયામાં રિટેન
3 પૃથ્વી શો- 7.50 કરોડ રૂપિયામાં રિટેન
4 એનરિક નોર્ત્યા- 6.50 કરોડ રૂપિયામાં રિટેન



અમદાવાદ અને લખનૌની ટીમ 3-3 ખેલાડીઓ જ પસંદ કરી શકશે. આ ત્રણ ખેલાડીઓમાં બેથી વધુ ભારતીય ન હોઈ શકે અને ન તો એકથી વધુ વિદેશી ખેલાડી હોઈ શકે. ઉપરાંત, નવી ટીમો દ્વારા એક અનકેપ્ડ ખેલાડીની પસંદગી કરી શકાય છે. 


દરેક જૂની ફ્રેન્ચાઈઝી પાસે વધુમાં વધુ 4 ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ હોય છે. વધુમાં વધુ 3 ભારતીય અને વધુમાં વધુ 2 વિદેશીઓ રાખી શકાય છે. ઉપરાંત, તે વધુમાં વધુ બે અનકેપ્ડ ખેલાડીઓને જાળવી શકે છે.


ચેન્નાઈ સુપર કિંગ્સે ચોંકાવી દીધા


ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 16 કરોડ રૂપિયામાં રિટેન કરીને બધાને ચોંકાવી દીધા છે. ટીમના કેપ્ટન  મહેન્દ્ર સિંહ ધોની કરતા ઉંચી કિંમતે ફ્રેન્ચાઈઝીએ જાડેજાને જાળવી રાખ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે જાડેજાને જાળવી રાખેલા ખેલાડીઓની યાદીમાં નંબર વન પર મૂક્યો હતો. આ સાથે જ ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.


હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા


સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. આ ખેલાડીઓ છે કેપ્ટન કેન વિલિયમસન, ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને અબ્દુલ સમદ. વિલિયમસનને રૂ. 14 કરોડમાં, મલિક અને સમદને રૂ. 4 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા છે. ગત સિઝનમાં ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નર સાથેના મતભેદોને કારણે ખોટા કારણોસર સમાચારમાં રહેલી સનરાઈઝર્સે કેન વિલિયમસનને જાળવી રાખવાની તૈયારી કરી હતી. પરંતુ ચોંકાવનારો નિર્ણય એ છે કે ફ્રેન્ચાઇઝીએ રાશિદ ખાનને જાળવી રાખ્યો નથી. ટીમે મલિક અને સમદ જેવા યુવા ખેલાડીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સમદ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે જ્યારે ઉમરાન મલિક તેની ઝડપી બોલિંગ માટે પ્રખ્યાત છે. આઈપીએલની છેલ્લી સિઝનમાં તેણે ઘણી વખત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યા હતા.