નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે. સીએસકે અને આરઆર બન્ને ટીમો માટે પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે આ મેચ જીતવી ખુબ મહત્વની છે. જોકે, આ બધાથી ખાસ વાત એ છે કે સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજની મેચ રમવા માટે મેદાનમાં ઉતરતા જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

મહેન્દ્ર સિંહ ધોની રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ મેદાન પર ઉતરતા જ સીએસકે માટે 200 મેચ રમનારો પહેલો ખેલાડી બની જશે. ધોનીએ 2008માં જ સીએસકે માટે પોતાની પહેલી આઇપીએલ મેચ રમી હતી. ધોનીએ તાજેતરમાંજ રૈનાના સીએસકે માટે સૌથી વધુ 194 મેચ રમવાનો રેકોર્ડ તોડ્યો છે.

સીએસકે માટે અત્યાર સુધી રમાયેલી 199 મેચોમાં ધોનીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 199 મેચોમાં ધોનીએ 23 ફિફ્ટી અને 4,568 રન બનાવ્યા છે, અને તેનો સ્કૉર 84 રન રહ્યો છે. આઇપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં ધોની ત્રીજા નંબર પર છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી 215 છગ્ગા ફટકાર્યા છે. આઇપીએલમાં અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા ગેલ 333 છગ્ગાની સાથે પહેલા નંબર પર છે. જ્યારે એબી ડિવિલિયર્સ 231 છગ્ગાની સાથે બીજા નબર છે.