નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં રવિવારે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ જબરદસ્ત રોમાંચક રહી, મેચનુ પરિણામ આખરે બે-બે સુપર ઓવર બાદ આવી શક્યુ હતુ. આ 13મી સિઝનની 36મી મેચ હતી, જેમાં એક નહીં પરંતુ બે સુપર ઓવર રમાઇ હતી.


ટી20 ક્રિકેટ અને આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર બન્યુ કે એક મેચમાં બે-બે સુપર ઓવર રમાઇ હોય. પહેલી સુપર ઓવરમાં મુંબઇ તરફથી જસપ્રીત બુમરાહે અને કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી મોહમ્મદ શમીએ નાંખી હતી, બન્નેએ 5-5 રન આપ્યા અને મેચ બાદ સુપર ઓવર પણ ટાઇ રહી. બન્નેને બીજી સુપર ઓવરમાં બૉલિંગ કરવાનો મોકો ના મળી શક્યો.

જાણો સુપર ઓવર સાથે જોડાયેલા ખાસ નિયમો અંગે.....

1- સુપર ઓવરમાં તે ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરે છે, જે મેચ પુરી થતાં સમયે બેટિંગ કરી રહી હોય છે. આ કારણે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરવા આવી, જ્યારે બીજી સુપર ઓવરમાં મુંબઇની ટીમ પહેલા બેટિંગ કરવા આવી.

2- એકવાર સુપર ઓવરમાં જે બૉલર, બૉલિંગ કરી લે છે, તેને બીજી સુપર ઓવરમાં બૉલિંગ કરવાનો મોકો નથી આપવામાં આવી શકતો. આ કારણે જ બુમરાહ અને શમી બન્નેને બીજી સુપર ઓવરમાં બૉલિંગ ન હતી કરી શક્યા.

3- સુપર ઓવરમાં બન્ને ટીમોને છ-છ બૉલ રમવા મળે છે, અને બે વિકેટ મળે છે. આવામાં દરેક ટીમ ત્રણ બેટ્સમેનને ઉતારી શકે છે. પહેલી સુપર ઓવર દરમિયાન જે બેટ્સમેન આઉટ થઇ જાય છે, તે બીજી સુપર ઓવરમાં નથી રમી શકતો. આ કારણે જ બીજી સુપર ઓવરમાં કેએલ રાહુલ, નિકોલસ પૂરન અને ક્વિન્ટન ડીકૉક બેટિંગ કરવા માટે ન હતા આવી શક્યા. કીરોન પોલાર્ડ પહેલી સુપર ઓવરમાં પહેલા ત્રણ બેટ્સમેનોમાં સામેલ હતો પરંતુ તે રમી ન હતો શક્યો અને આઉટ પણ ન હતો થઇ શક્યો. આ કારણે તે બીજી સુપર ઓવરમાં બેટિંગ કરવા ઉતરી શક્યો હતો.