પુરુષોનો ટી 20 વર્લ્ડ કપ 2021 સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઓમાનમાં યોજાવાનો છે. ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાશે. વર્લ્ડકપની શરૂઆત પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ એક નિયમના ઉપયોગને લઈને મોટી જાહેરાત કરી છે, જે કેપ્ટનોને વિશેષ સત્તા આપશે. આ નિયમ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) છે, જે નિર્ણય આપવામાં અમ્પાયર દ્વારા કરવામાં આવેલી ભૂલ સુધારવામાં મદદરૂપ સાબિત થશે. અમે તમને જણાવી દઈએ કે DRS નો ઉપયોગ પહેલીવાર મેન્સ ટી 20 વર્લ્ડ કપમાં કરવામાં આવશે.


દરેક ઇનિંગમાં DRS માટે બે તકો


ESPNcricinfo નાં એક રિપોર્ટ અનુસાર, ICC એ ટુર્નામેન્ટમાં DRS ના ઉપયોગને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. દરેક ટીમને દરેક ઇનિંગમાં DRS ની બે તક મળશે. અગાઉ, ટી20 વર્લ્ડ કપમાં ડીઆરએસનો ક્યારેય ઉપયોગ થતો ન હતો. છેલ્લી વખત T20 વર્લ્ડ કપ 2016 માં રમાયો હતો જ્યારે DRS નો ઉપયોગ આ ફોર્મેટમાં કરવામાં આવ્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝમાં મહિલા ટી 20 વર્લ્ડ કપ 2018 માં આઈસીસી ટી 20 ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી તેનો ઉપયોગ 2020 માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા મહિલા ટી 20 વર્લ્ડ કપમાં પણ થયો હતો.


ડિસીઝન રિવ્યૂ સિસ્ટમનો ઈતિહાસ


નોંધનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન વર્ષ 2008 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં DRS નો પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ અનુભવી સ્પિનર ​​અને કેપ્ટન અનિલ કુંબલે તેનો ઉપયોગ કરનાર પ્રથમ કેપ્ટન હતા. મલિન્દા વર્ણાપુરા સામે હરભજન સિંહની એલબીડબલ્યુ અપીલ ફગાવી દેવાયા બાદ કુંબલેએ ડીઆરએસ લીધું હતું. જો કે, રિપ્લેએ દર્શાવ્યું હતું કે મેદાન પર અમ્પાયરનો નિર્ણય સાચો હતો. તે જ સમયે, વનડે ક્રિકેટ અને ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ડીઆરએસનો ઉપયોગ અનુક્રમે વર્ષ 2011 અને 2017 થી શરૂ થયો.