Ind Vs SA: ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ વિલંબથી શરૂ થઈ શકે છે. સાઉથ આફ્રિકામાં મળેલા કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે આમ થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ પૂરી થયાના ગણતરીના જ દિવસોમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જવાની હતી, પરંતુ હવે તેમાં વિલંબ થઈ શકે છે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને પુષ્ટિ કરતાં કહ્યું કે, પ્રવાસને લઈ બંને બોર્ડ ખેલાડીની સુરક્ષાને લઈ વિચાર-વિમર્શ કરી રહ્યા છે.  કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે સીરિઝ વિલંબથી શરૂ થઈ શકે છે. આ મામલે અમે ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. બંને બોર્ડ સતત એકબીજાના સંપર્કમાં છે. લગભગ તમામ પાસાઓ પર વાતચીત થઈ છે. અમારા માટે ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોચ્ચ છે.


BCCI એ લેવી જોઈએ ભારત સરકારની મંજૂરી


થોડા દિવસો પહેલા રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આ માલે બોર્ડે સરકારની મંજૂરી લેવી જોઈએ. દરેક બોર્ડ પછી તે બીસીસીઆઈ હોય કે અન્ય આ મુદ્દે ભારત સરકારની મંજૂરી લેવી જોઈએ.


દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 'ઓમિક્રોન પ્રકાર માત્ર હળવા રોગનું કારણ બનશે કે કેમ તે નક્કી કરવું ખૂબ જ વહેલું છે.' વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના વાયરસના નવા પ્રકારની ચોક્કસ અસર હાલમાં નક્કી કરવી મુશ્કેલ છે કારણ કે તેનાથી અત્યાર સુધીમાં મોટાભાગના યુવાનો પ્રભાવિત થયા છે, જેઓ આ રોગ સામે લડવામાં સક્ષમ છે. આ વાયરસ થોડા સમય માટે લોકોમાં રહે છે અને તેઓ બીમાર થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ બુધવારે સાંસદોને આપેલા પ્રેઝન્ટેશનમાં આ વાત કહી.


ઓમિક્રોન વૃદ્ધોમાં પણ ફેલાવા લાગ્યો


અગાઉ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં છેલ્લા 24 કલાકમાં નવા મળી આવેલા કોરોના કેસોની સંખ્યા લગભગ બમણી થઈને 8,561 થઈ ગઈ છે. ઓમિક્રોન અત્યારે દેશમાં મુખ્ય સ્ટ્રેન છે. NICD ખાતે પબ્લિક હેલ્થ સર્વેલન્સ એન્ડ રિસ્પોન્સના વડા મિશેલ ગ્રોમે ધારાસભ્યોને જણાવ્યું હતું કે નવો ચેપ મોટાભાગે યુવાન લોકોમાં છે, પરંતુ અમે તેને વૃદ્ધોમાં પણ જોઈ રહ્યા છીએ. "અમે એ પણ આશા રાખીએ છીએ કે થોડા અઠવાડિયા સુધી વધુ ગંભીર જટીલતાઓ હજુ એમ બહાર આવશે નહીં."