કાનપુરઃ કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એક રમૂજી ઘટના બની હતી. ભારતનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનું પેન્ટ ઉતરી ગયું હતું. રવિચંદ્રન અશ્વિને તેનું પેન્ટ કમરથી થોડુ નીચે સરકી ગયું હતું તેની ચિંતા કર્યા વિના ફિલ્ડિંગ પર ધ્યાન આપીને શાનદાર ફિલ્ડિંગ કરી ચોગ્ગો રોક્યો હતો. અશ્ચિનનું પેન્ટ સરકી ગયું તેના ફોટો હાલ વાઈરલ થઈ રહ્યા છે અને ક્રિકેટ ચાહકો અશ્વિનના કમિટમેન્ટને વખાણી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી ઈનિંગમાં શાનદાર શરૂઆત કર્યા પછી ઝડપથી એક પછી એક વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન 9 વિકેટ ગુમાવી ચૂકેલી ન્યૂઝીલેન્ડ ટીમના પૂંછડિયા બેટ્સમેનને આઉટ કરવા કેપ્ટન અકિંજય રહાણેએ ઉમેશ યાદવને 142મી ઓવર કરવા આપી હતી. ઓવરના પહેલા બોલે ન્યુઝીલેન્ડના બેટ્સમેન સોમરવિલે મિડવિકેટ પર બોલને ફ્લિક કરી દીધો હતો. આ બોલ જે ઝડપે જતો હતો તેના પરથી લાગતું હતું કે બોલ બાઉન્ડરી લાઈનની બહાર પહોંચી જશે પરંતુ અશ્વિને જોરદાર દોટ લગાવી હતી. સોમરવિલના શોટને રોકવા જતા અશ્વિનનું પેન્ટ કમરથી નીચે સરકી ગયું હતું. તેમ છતા અશ્વિને શાનદાર ફિલ્ડિંગ કરી બોલને રોકી લીધો હતો. અશ્વિને સારી ફિલ્ડિંગ કરી 2 રન બચાવ્યા હતા. 142 ઓવરના અંત સુધી કીવી ટીમનો સ્કોર 296/9 રન રહ્યો હતો.
રવિચંદ્રન અશ્વિને શાનદાર ફિલ્ડિંગ કર્યા બાદ યાદવની ઓવર પછી બોલિંગમાં પણ કમાલ કરી બતાવી હતી. તેણે 143મી ઓવરના ત્રીજા બોલ પર સોમરવિલને ક્લિન બોલ્ડ કરી દેતાં ન્યુઝીલેન્ડની ટીમ 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 345 રન કર્યા હોવાથી ભારતની ટીમને ન્યુઝીલેન્ડ સામે 49 રનની સરસાઈ મળી હતી.
અક્ષરે બનાવ્યો ખાસ રેકોર્ડ
ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને 49 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 રન અને વિલ યંગે 89 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 151 રનની પાર્ટનરશિર કરી હતી. તે સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 3, જાડેજા,અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલે 5 વિકેટ લેવાની સાથે જ પોતાના નામે એક રેકોર્ડ કર્યો હતો. અક્ષર પટેલે કારકિર્દીની ચોથી ટેસ્ટમાં સૌથી વધુ વખત 4 વિકેટ ઝડપવામાં બીજા ક્રમે છે. કરિયરની શરૂઆતમાં તેના જેવું પરાક્રમ બીજો કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી. ચાર્લી ટર્નરે પ્રથમ 4 ટેસ્ટમાં 6 વખત પાંચ વિકેટ ઝડપી હતી.
ટર્નરે 1987-88માં કરિયરની પ્રથમ 4 ટેસ્ટમાં છ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જે રેકોર્ડ આજે પણ અતૂટ છે. પછી ઈંગ્લેન્ડના ટોમ રિચર્ડસન અને ઓસ્ટ્રેલિયાના રોડની હોગ સ્થાન ધરાવે છે. જેમણે કારકિર્દીની પ્રથમ ચાર ટેસ્ટમાં પાંચ વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી.