ENG vs AFG Possible Playing 11: વર્લ્ડકપ 2023ની જોરદાર શરૂઆત બાદ આજે ફરી એકવાર વિશ્વ ચેમ્પીયનની ટક્કર અંડર ડૉગ અફઘાનિસ્તાન સામે થવાની છે. વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાન આજે (15 ઓક્ટોબર) ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરશે. આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂક્યું છે. તેણે એક જીતી છે અને એક હારી છે. આ બંને મેચમાં ઈંગ્લેન્ડનું બૉલિંગ આક્રમણ એવરેજ રહ્યું છે. આવી સ્થિતિમાં આજની મેચમાં ઇંગ્લિશ ટીમ બૉલિંગમાં કેટલાક અન્ય ઓપ્શન અજમાવી શકે છે.
ઇંગ્લિશ ટીમના બૉલરો સતત ક્રિકેટ રમી રહ્યા છે. આરામના અભાવે કામગીરીમાં થોડો ઘટાડો પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે, અફઘાનિસ્તાન સામેના પડકારને આસાન ગણીને ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ તેના મુખ્ય બૉલરોને આરામ આપવાનો નિર્ણય લઈ શકે છે. બીજીતરફ અફઘાનિસ્તાનનું બૉલિંગ આક્રમણ પણ ખાસ પ્રભાવ પાડી શક્યું નથી. આવી સ્થિતિમાં આ ટીમમાં પણ બદલાવની આશા છે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11માં શું હોઇ શકે છે ફેરફાર ?
ઈંગ્લેન્ડના ફાસ્ટ બૉલર ક્રિસ વૉક્સ પેટમાં દુખાવાને કારણે શુક્રવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યો નહોતો. જોકે શનિવારે સાંજે તે મેદાનમાં બૉલિંગ કરતો જોવા મળ્યો હતો. વૉક્સ ઈંગ્લેન્ડનો મહત્વનો બૉલર છે. આવી સ્થિતિમાં શક્ય છે કે ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપે અને આજની મેચમાં ડેવિડ વિલીને તક આપે. ઈંગ્લેન્ડની ટીમ પણ આજે માર્ક વુડને આરામ આપી શકે છે. તેના સ્થાને ગસ એટકિન્સ રમવાની સંભાવના છે.
ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ-11:
જૉની બેયરર્સ્ટો, ડેવિડ મલાન, જૉ રૂટ, હેરી બ્રુક, જૉસ બટલર (કેપ્ટન, વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટૉન, સેમ કુરાન, ક્રિસ વૉક્સ/ડેવિડ વિલી, માર્ક વુડ/ગસ એટકિન્સ, આદિલ રશીદ, રીસ ટોપલી. .
અફઘાનિસ્તાનની ટીમમાં થઇ શકે છે ફેરફાર
અફઘાનિસ્તાન પાસે વર્લ્ડ ક્લાસ સ્પિન આક્રમણ છે પરંતુ તેના સ્પિનરો આ વર્લ્ડકપમાં બેરંગ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજની મેચમાં અફઘાન ટીમ મેનેજમેન્ટ પોતાના લેફ્ટ આર્મ સ્પિનર નૂર અહેમદને પ્લેઇંગ-11માં ઉતારી શકે છે. આ માટે મુજીબ ઉર રહેમાનને બહાર બેસવું પડી શકે છે. જોકે તેની શક્યતા ઓછી જણાય છે.
અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઇંગ-11
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન/નૂર અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.