England vs Australia 2nd Test: ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 43 રનથી હરાવ્યું હતું. આ સાથે કાંગારૂ ટીમે 2023ની એશિઝ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. 371 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે 155 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.
ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. જેની સામે ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 325 રનમાં સમેટાઈ ગઈ હતી. જો કે, યજમાન ટીમે બીજા દાવમાં વાપસી કરી અને ઓસ્ટ્રેલિયાને 279 રન પર રોકી દીધું. આ રીતે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, પ્રવાસી ટીમ 327 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઈંગ્લેન્ડને મળ્યો હતો 371 રનનો ટાર્ગેટ
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે 83 રન અને બેન સ્ટોક્સે 155 રન બનાવ્યા હતા. પરંતુ અન્ય કોઈ બેટ્સમેનનો સપોર્ટ ન મળવાને કારણે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. જેક ક્રોલી 03, ઓલી પોપ 03, જો રૂટ 18 અને હેરી બ્રુક 04 સસ્તામાં આઉટ થયા હતા. આમ ઈંગ્લેન્ડની ચાર મહત્વની વિકેટ 45 રનમાં પડી ગઈ હતી. ત્યાર બાદ બેન ડકેટ અને બેન સ્ટોક્સે 132 રનની ભાગીદારી કરી હતી. જોકે, ડકેટ 112 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 83 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યાર બાદ જોની બેયરસ્ટો 10 રન બનાવીને વિવાદાસ્પદ રનઆઉટ થયો હતો. બેયરસ્ટોના આઉટ થયા બાદ સ્ટોક્સે આક્રમક વલણ અપનાવ્યું અને સ્ટુઅર્ટ બ્રોડ સાથે 109 રનની ભાગીદારી કરી. સ્ટોક્સે 214 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 155 રન બનાવ્યા હતા. જ્યારે બ્રોડ 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર ઓલી રોબિન્સન 01 તરત જ આઉટ થયો હતો.
જોશ ટોંગ અને એન્ડરસને આશા જગાવી
302 રનમાં 9 વિકેટ પડી ગયા બાદ જોશ ટોંગ અને જેમ્સ એન્ડરસન વચ્ચે 25 રનની ભાગીદારી થઈ હતી. જોશ ટોંગે 19 રન બનાવ્યા હતા. જ્યારે એન્ડરસન 3 રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગમાં મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય કેમરૂન ગ્રીનને એક વિકેટ મળી હતી.
આ પહેલા ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવમાં સ્ટીવ સ્મિથે 110, ટ્રેવિસ હેડે 77 અને ડેવિડ વોર્નરે 66 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ માટે પ્રથમ દાવમાં બેન ડકેટે 98 અને હેરી બ્રુકે 50 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 77 રન બનાવ્યા હતા.