ENG vs AUS: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટ્રેવિસ હેડે 154 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. હેડ અને માર્નસ લાબુશેને સાથે મળીને ઓસ્ટ્રેલિયા તરફથી ચોથો સૌથી મોટો રન ચેઝ પણ કર્યો છે. જોસ બટલરની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહેલા ફિલ સોલ્ટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 49.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમે 316 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો, જેને ઓસ્ટ્રેલિયાએ 44 ઓવરમાં જ હાંસલ કરીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી હતી અને સતત 13 વન-ડે મેચમાં જીત મેળવી હતી






ટ્રેવિસ હેડે છેલ્લા દોઢ વર્ષથી પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને ચોંકાવી દીધા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તેણે ભારત સામે બોલરોની ધોલાઇની શરૂઆત કરી હતી તે આજે પણ યથાવત છે. માત્ર 129 બોલમાં 154 રનની પોતાની તોફાની ઇનિંગથી તેણે ઈંગ્લેન્ડ સામે 316 રનના ચેઝને સરળ બનાવી દીધો હતો. તેણે કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી અને એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. હેડ ઈંગ્લેન્ડ સામેની વન-ડેમાં બે વખત 150થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.


ઓપનર ટ્રેવિસ હેડે 154 રનની અણનમ ઇનિંગ રમી હતી. માર્નસ લાબુશેને 77 અણનમ રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્પિનરો સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા. જોકે, બેન ડકેટ અને વિલ જેક્સે શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઓપનર બેન ડકેટ તેની સદી પાંચ રનથી ચૂકી ગયો હતો અને 95 રન કરીને લાબુશેનનો શિકાર બન્યો હતો. જ્યારે વિલ જેક્સે 62 રન બનાવ્યા હતા. તે એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પા અને માર્નસ લાબુશેને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. હેડના નામે બે વિકેટ હતી.


લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ વિકેટ માત્ર 20ના સ્કોર પર પડી હતી. મિશેલ માર્શ 10 રન કરીને આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથ અને કેમરૂન ગ્રીન 32-32 રન કરીને આઉટ થયા હતા. હેડે 95 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ લાબુશેને પણ અડધી સદી ફટકારી હતી. હેડે 129 બોલમાં 20 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 154 રનની અણનમ ઇનિંગ રમી હતી. લાબુશેને 61 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 77 રન બનાવ્યા હતા.