ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની પાંચમી મેચ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટ ડ્રો કરીને એશિઝ પર કબજો કર્યો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયા સીરિઝમા 2-1થી આગળ છે. ઈંગ્લેન્ડની ટીમ પાંચમી ટેસ્ટ જીતીને શ્રેણીમાં બરોબરી કરવાના ઈરાદા સાથે ઉતરી છે.
મેચની પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 283 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસની રમત પૂરી થવા સુધી એક વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ ઈંગ્લેન્ડથી 222 રન પાછળ છે. હાલમાં ઉસ્માન ખ્વાજા 26 રને અને માર્નસ લાબુશેન બે રને અણનમ છે. ઓસ્ટ્રેલિયાએ એક માત્ર વિકેટ ડેવિડ વોર્નરની ગુમાવી હતી. તે ક્રિસ વોક્સે જેક ક્રાઉલીના હાથે કેચ આઉટ થયો હતો. વોર્નર 24 રન બનાવી શક્યો હતો.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. જેક ક્રાઉલી અને બેન ડકેટે પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી ઈંગ્લેન્ડે 11 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ડકેટ 41 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 41 રન બનાવી શક્યો હતો. આ પછી જેક ક્રાઉલી પણ 37 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 22 રન બનાવીને આઉટ થયો હતો. જો રૂટને હેઝલવુડે ક્લીન બોલ્ડ કર્યો હતો. તે પાંચ રન બનાવી શક્યો હતો. મોઈન અલી 47 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. મોઈને બ્રુક સાથે ચોથી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન બેન સ્ટોક્સ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ત્રણ રન બનાવીને આઉટ થયો હતો.
આ દરમિયાન બ્રુકે અડધી સદી ફટકારી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની સાતમી અડધી સદી ફટકારી હતી. જોની બેયરસ્ટો પણ ચાર રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. બ્રુક સદી ચૂકી ગયો હતો અને 91 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 85 રન બનાવીને આઉટ થયો હતો. ક્રિસ વોક્સ અને માર્ક વૂડે આઠમી વિકેટ માટે 49 રનની ભાગીદારી નોંધાવી હતી. વુડ 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટાર્કે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જોશ હેઝલવુડ અને ટોડ મર્ફીને બે-બે વિકેટ મળી હતી. કેપ્ટન પેટ કમિન્સ અને મિશેલ માર્શને એક-એક વિકેટ મળી હતી.