ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ઇગ્લેન્ડે વર્લ્ડકપ જીતી લીધો છે. મેલબોર્નમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઇગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને ઈંગ્લેન્ડને જીતવા માટે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ઇગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ બીજી વખત T20 ચેમ્પિયન બની છે.






વર્લ્ડ કપ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ પર પૈસાનો વરસાદ થયો છે. વિજેતા ટીમ ઈંગ્લેન્ડને ઈનામી રકમ તરીકે 1.6 મિલિયન ડોલર (રૂ. 12.88 કરોડ) મળ્યા છે. રનર અપ ટીમ પાકિસ્તાનને પણ સારી ઈનામી રકમ મળી હતી. પાકિસ્તાનને રનર્સ અપ તરીકે 8 લાખ ડોલર (રૂ. 6.44 કરોડ)ની ઇનામી રકમ મળી છે. આ સિવાય આ બંને ટીમોને સુપર-12 સ્ટેજમાં રમવા માટે પૈસા પણ મળ્યા છે.


ICCએ T20 વર્લ્ડની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. T20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલર (રૂ. 45.14 કરોડ) નક્કી કરવામાં આવ્યા હતા જે તમામ 16 ટીમોમાં અલગ-અલગ રીતે વહેંચવાના હતા. આ મુજબ T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 1.6 મિલિયન ડોલર અને રનર અપ ટીમને 0.8 મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઇનલમાં હારી ગયેલી બાકીની બે ટીમોને 4-4 લાખ ડોલર આપવાની જોગવાઈ હતી.


સુપર-12 તબક્કામાં 12માંથી માત્ર 4 ટીમ જ સેમીફાઇનલમાં પહોંચી શકી હતી. જે 8 ટીમ સુપર-12 સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે તેમને પણ ICC દ્વારા ઈનામ આપવામાં આવશે. આ ટીમોને 70 હજાર ડોલર આપવામાં આવશે જ્યારે ગત T20 વર્લ્ડ કપમાં આ રકમ 40 હજાર ડોલર હતી. ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી બહાર થઈ ગયેલી ચાર ટીમોને 40 હજાર ડોલર આપવામાં આવશે. જ્યારે પ્રથમ રાઉન્ડમાં જીતવા પર 40 હજાર ડોલરની જોગવાઈ હતી.


ભારતીય ટીમને આટલી રકમ મળી છે


સેમીફાઈનલ મેચમાં હાર છતાં ટીમ ઈન્ડિયાને બમ્પર રકમ પણ મળી હતી. ભારતીય ટીમને પહેલા સેમીફાઇનલમાં પહોંચવા માટે 400,000 ડોલર મળ્યા હતા. આ સાથે સુપર-12 સ્ટેજમાં પણ ટીમ ઈન્ડિયાએ પાંચમાંથી ચાર મેચ જીતી હતી, જેના કારણે તેને એક લાખ 60 હજાર ડોલરની ઈનામી રકમ મળી હતી. એટલે કે, T20 વર્લ્ડ કપમાં ભારતને લગભગ 4.51 કરોડ રૂપિયાની કુલ ઈનામી રકમ મળી છે.