World Cup 2023: શ્રીલંકા સામે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 156 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડે માત્ર 33.2 ઓવરમાં 10 વિકેટ ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સે સૌથી વધુ 43 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શ્રીલંકા તરફથી લેહિરુએ 35 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. મેથ્યુઝ બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આમ હવે ઈંગ્લેન્ડ સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાની અણી પર છે.


વર્લ્ડ કપની 25મી મેચમાં શ્રીલંકાએ શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડને 156 રન પર રોકી દીધું હતું. વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન શ્રીલંકાની બોલિંગ સામે ટકી શક્યો ન હતો અને ઈંગ્લેન્ડની આખી ટીમ માત્ર 33.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી લેહિરુએ 3 અને મેથ્યુસે બે વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન સ્ટોક્સ 43 રન બનાવી શક્યો હતો.


 






ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં ઈંગ્લેન્ડનો આ પહેલો પ્રયાસ પણ સાચો સાબિત થતો જણાતો હતો. 6.3 ઓવરમાં બેયરસ્ટો અને મલાનની જોડીએ પ્રથમ વિકેટ માટે 43 રન જોડ્યા હતા. આઉટ થતા પહેલા મલાને 25 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ પછી ઈંગ્લેન્ડની વિકેટો પડવાની પ્રક્રિયા શરૂ રહી હતી.


રૂટ 3 રન બનાવીને શ્રીલંકાની શાનદાર ફિલ્ડિંગનો શિકાર બન્યો હતો અને રનઆઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પછી બેયરસ્ટો પણ લાંબો સમય ટકી શક્યો ન હતો અને 30 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. આ મેચમાં પણ બટલરનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. બટલરે માત્ર 8 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોન પણ નિષ્ફળ ગયો અને માત્ર 1 રનનું યોગદાન આપીને પેવેલિયન પરત ફર્યો.


ઈંગ્લેન્ડને વાપસીની તક મળી નહી


ઈંગ્લેન્ડે 17 ઓવરમાં 85 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સ્ટોક્સે મોઈન અલી સાથે મળીને દાવને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. બંને બેટ્સમેન વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 37 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ 15 રન બનાવ્યા બાદ મોઈન અલી પણ મોટા શોટનો પ્રયાસ કરતા આઉટ થયો હતો. વોક્સ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો અને ઈંગ્લેન્ડે 123 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.


બેન સ્ટોક્સ એક છેડે મક્કમ હતો. પરંતુ તે પણ 43 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રાશિદ રનઆઉટ થયો હતો. માર્ક વુડ પણ લાંબો સમય ટકી શક્યો ન હતો અને 5 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડનો દાવ 33.2 ઓવરમાં માત્ર 156 રનમાં સમેટાઈ ગયો હતો. શ્રીલંકા તરફથી લેહિરુ અને મેથ્યુઝે શાનદાર બોલિંગ કરી હતી. લેહિરુએ 7 ઓવરમાં 35 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મેથ્યુઝે શાનદાર વાપસી કરીને બે વિકેટ ઝડપી હતી.