Joe Root Surpasses Rohit Sharma Most International Centuries: ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ લોર્ડ્સના મેદાનમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે, જ્યાં જો રૂટે પોતાના ટેસ્ટ કરિયરની 33મી સદી ફટકારી છે. તે હવે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર અંગ્રેજ ખેલાડી બની ગયો છે. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.






જો રૂટે રોહિત શર્માને પાછળ છોડી દીધો


જો રૂટે શ્રીલંકા સામેની મેચમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 33મી સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે વન-ડે ફોર્મેટમાં 16 સદી પણ ફટકારી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કુલ સદીઓની સંખ્યા 49 થઈ ગઈ છે. બીજું, ભારતની વન-ડે  અને ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 48 સદી ફટકારી છે. રોહિતે વન-ડેમેચોમાં 31 સદી, ટેસ્ટ કારકિર્દીમાં 12 અને T20 મેચોમાં પણ 5 સદીની ઇનિંગ્સ રમી છે. આ સાથે તેની કુલ સદીઓની સંખ્યા 48 થઈ ગઈ છે.


જો રૂટ ટેસ્ટમાં આગળ


જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બનવાથી માત્ર એક સદી દૂર છે. સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે એલિસ્ટર કૂકની બરાબરી પર આવી ગયો છે, કારણ કે તેણે પણ તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 33 સદી ફટકારી હતી. આ બંને સિવાય ઈંગ્લેન્ડનો કોઈ અન્ય બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં 30 કે તેથી વધુ સદી ફટકારી શક્યો નથી. તેની પાછળ કેવિન પીટરસન છે, જેના નામે ટેસ્ટ મેચોમાં 23 સદી છે.


વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય રેકોર્ડમાં ઘણો આગળ છે


વર્તમાન ક્રિકેટરોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. અત્યાર સુધી કોહલી 80 સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોચ પર છે. આ યાદીમાં વિરાટ પછી માત્ર જો રૂટ (49) આવે છે અને તેના પછી ત્રીજા સ્થાને રોહિત શર્મા (48) છે.


આ પણ વાંચોઃ


IPL 2025: રોહિત શર્મા નહીં છોડે મુંબઈ ઈન્ડિયન્સનો સાથ? નવા અપડેટમાં સામે આવી હકિકત