ENG vs WI Match Report: ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 241 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. આ રીતે ઈંગ્લેન્ડે 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ 26 જૂલાઈથી રમાશે. જોકે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં 143 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ રીતે યજમાન ઈંગ્લેન્ડે 241 રનથી મોટી જીત મેળવી હતી. આ પહેલા ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં 425 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે જો રૂટ અને હેરી બ્રુકે બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. જો રૂટે 178 બોલમાં 122 રન બનાવ્યા હતા. જ્યારે હેરી બ્રુકે 132 બોલમાં 109 રનનું યોગદાન આપ્યું હતું.
જોકે, વેસ્ટ ઈન્ડિઝના ઓપનરે બીજી ઈનિંગમાં સારી શરૂઆત કરી હતી. ક્રેગ બ્રેથવેટ અને માઈકલ લુઈસે પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. પરંતુ આ પછી સતત વિકેટો પડી હતી. જેસન હોલ્ડરે 37 રન બનાવ્યા હતા, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના અન્ય બેટ્સમેન ઈંગ્લિશ બોલરો સામે ટકી શક્યા ન હતા. વેસ્ટ ઈન્ડિઝના 7 બેટ્સમેન બે આંકડાને પાર કરી શક્યા ન હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને ગસ એટકિસને 2-2 વિકેટ લીધી હતી. માર્ક વુડને 1 સફળતા મળી હતી.
નોંધનીય છે કે ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓલી પોપે પ્રથમ દાવમાં 121 રન ફટકાર્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ દાવ 457 રન પર સમેટાઈ ગયો હતો. આ રીતે કેરેબિયન ટીમને 41 રનની મહત્વની લીડ મળી હતી. પરંતુ ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં શાનદાર વાપસી કરી હતી. ઈંગ્લેન્ડ માટે હેરી બ્રુક અને જો રૂટે બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. જેના કારણે યજમાન ટીમે 425 રન બનાવ્યા હતા. જોકે, બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઈંગ્લેન્ડના બોલરો સામે વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ માત્ર 143 રનમાં સમેટાઈ ગયો હતો.